પહેલગામ હુમલોઃ કચ્છના ૨૧ ટાપુઓ પર પ્રવાસીઓ ફરવા નહીં જઈ શકે

ભુજઃ એક તરફ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સીઝન શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છના ૨૧ જેટલા નિર્જન ટાપુઓ પર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ આગામી ૨૬મી જુલાઈ ૨૦૨૫ સુધી આમ જનતાના પ્રવેશ પર કલેકટર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
આ માનવ વસાહત રહિત નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થાનકો આવેલા હોઈ,અહીં દર્શનાર્થે આમ લોકોની અવર-જવર રહેતી હોય છે. શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ પર જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં ફરવા આવેલા નિર્દોષ સહેલાણીઓ પર થયેલા આતંકી હુમલા બાદ આ પ્રવેશબંધીનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, કચ્છના આ નિર્જન ટાપુઓ પરથી સુરક્ષા એજન્સીઓ દ્વારા કેફી દ્રવ્યોના બિનવારસુ પડીકાં, પાકિસ્તાની નેવીના વણફૂટેલાં વિસ્ફોટકો અને કેટલીક વાર પાકિસ્તાની ઘૂસણખોરો પણ મળી આવતા રહે છે.
આપણ વાંચો: ભુજના દરબારગઢમાં સ્થિત ૪૭૫ વર્ષ જુના રાણીવાસનું રિસ્ટોરેશન થશે
ગઈકાલે કેન્દ્ર સરકારે કાશ્મીરના 48 ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર પ્રતિબંધ મૂક્યો છે. ગુપ્તચર એજન્સીઓને એવી ખબર પણ મળી છે કે આતંકવાદીઓ ફરી કોઈ હુમલાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત હાઈ લેવલ બેઠકો લઈ રહ્યા છે અને ભારતીય સૈન્ય આ હુમલાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે નાગરિક તરીકે પણ સરકારની તમામ માર્ગદર્શિકાઓનું પાલન આપણે કરીએ અને સતર્ક રહીએ તે જરૂરી છે.