ભુજના દરબારગઢમાં સ્થિત ૪૭૫ વર્ષ જુના રાણીવાસનું રિસ્ટોરેશન થશે

ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છના રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવીના ૮૭મા જન્મદિવસ પ્રસંગે ભુજના દરબારગઢમાં સ્થિત વિનાશક ભૂકંપમાં નુકશાની પામેલા ઐતિહાસિક રાણીવાસનો જીર્ણોદ્ધાર કરવાના મહત્વાકાંક્ષી પ્રકલ્પની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ ૨૦૦૪માં વર્લ્ડ મોન્યુમેન્ટ વોચમાં દુનિયાભરના ૧૦૦ જેટલા લુપ્ત થવાના આરે પહોંચેલા સ્થળોમાં આ રાણીવાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ભુજના દરબારગઢમાં બ્રિટિશ આર્કિટેક્ટના નિર્દેશનમાં ઈ.સ ૧૮૬૮માં લાલ રેતિયા પથ્થર અને સફેદ આરસપહાણ વડે બાંધવામાં આવેલા પ્રાગમહેલ ઉપરાંત ૪૦૦ વર્ષ પુરાણો આયના મહેલ, પંચરત્ન દરગાહ, તોરણીયું નાકુ, જૂનો દરબાર ગઢ અને રાણીવાસ સહીત વિશિષ્ટ પ્રકારની કળાકૃતિ અને કોતરણી સાથે અદ્યતન ઇજનેરી તકનીકને પણ વિચારતા કરી મૂકે તેવી ઐતિહાસિક ઈમારતો આવેલી છે. ગત જાન્યુઆરી ૨૦૦૧માં આવેલા ગોઝારા ભૂકંપથી દરબારગઢને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. રાજાશાહી વખતના આ અમૂલ્ય પ્રાગમહેલ, રાણીવાસ, દરબારગઢ જેવી મિલકતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં મહારાણી પ્રીતિદેવીના વિચારોનું પણ અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા કચ્છમાં ભૂકંપમાં જર્જરિત થયેલા દરબાર ગઢના નગાર ખાના (તોરણીયું નાકું) અને રાણીવાસનું થ્રી-ડી લેઝર સ્કેન અમદાવાદની પ્રતિષ્ઠિત સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ થ્રિ-ડી લેઝર સ્કેનમાં બાંધકામની દરેક વિગતો ડિજિટલ રીતે સંગ્રહ કરવામાં આવી હોવાનું અને સંપૂર્ણ રિસ્ટોરેશન બે-અઢી વર્ષમાં પૂર્ણ થઇ જશે તેમ ભુજ દરબારગઢના કંઝર્વેશન આર્કિટેક રાજસિંહ ગોહિલે જણાવ્યું હતું.
આપણ વાંચો: Video: જૂનાગઢ ઉપરકોટમાં પણ ચાલ્યું બુલડોઝર, 59 દબાણો તોડી પાડવામાં આવ્યા