
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી (India-Pakistan Tension) ગયો છે. ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવી પણ શક્યતા છે. દુનિયાભરના દેશો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન આ બંને દેશો રાજદ્વારી રીતે પોતાનો પક્ષ મજબુત કરવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનને દરેક મોરચે નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે. અફઘાનિસ્તાન અને તુર્કીયેએ પણ ભારતને સમર્થન આપ્યું છે. જ્યારે અમેરિકાએ તણાવ આગળ ન વધારવા અપીલ કરી છે.
ભારતે વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના પ્રભારી સંયુક્ત સચિવ એમ આનંદ પ્રકાશને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ મોકલ્યા હતા. આનંદ પ્રકાશ વિદેશ મંત્રાલયમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના પ્રભારી હતા. તેઓ કાબુલ પહોંચે તે પહેલાં જ, તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.
તાલીબાન સરકારે હુમલાને વખોડ્યો:
અફઘાનિસ્તાન ઇસ્લામિક અમીરાતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બલ્ખીએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતનું વિદેશ મંત્રાલય જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં પ્રવાસીઓ પર થયેલા હુમલાની સખત નિંદા કરે છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. આવી ઘટનાઓ પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના પ્રયાસોને નુકશાન પહોંચાડે છે.
ભારત-અફઘાનીસ્તાનના સંબંધો મજબુત બનશે:
અફઘાન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, એક ટોચના ભારતીય રાજદ્વારીએ વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય રાજકીય સંબંધોને મજબૂત બનાવવા અને વેપાર અને પરિવહન સહયોગ વધારવા પર ચર્ચા કરી. વિદેશ પ્રધાને કાબુલ અને દિલ્હી વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોના વિસ્તરણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે બંને દેશો વચ્ચે લોકોની અવરજવરને સરળ બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને ઉદ્યોગપતિઓ, દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે વિઝા આપવાની પ્રક્રિયાને સામાન્ય બનાવવાનું આહ્વાન કર્યું.
તુર્કીયેએ હુમલાને વખોડ્યો:
તુર્કીયે પણ પહલગામ હુમલાને વખોડી કાઢ્યો હતો અને ભારતને સમર્થન આપ્યું હતું. તુર્કીયેના વિદેશ મંત્રાલયે અંકારામાં જણાવ્યું, જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં નાગરિકોને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ઘાયલ થયા તે જાણીને અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે આ જઘન્ય હુમલાની નિંદા કરીએ છીએ.
તુર્કીના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમે જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
નોંધનીય છે કે તુર્કીએના નિવેદનમાં આ હુમલાને આતંકવાદી હુમલો કહેવામાં આવ્યો હતો. ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરને વિવાદિત ક્ષેત્ર ગણાવવામાં આવ્યો ના હતો.
અમેરિકાએ આવી અપીલ કરી:
ભારત-પાકિસ્તાન તણાવ અંગે અમેરિકાએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું: “અમે કાશ્મીરની પરિસ્થિતિ અંગે ભારત અને પાકિસ્તાન બંનેનો સંપર્ક કરી રહ્યા છીએ અને પરિસ્થિતિને વધુ ખરાબ ન કરવા વિનંતી કરી રહ્યા છીએ. સચિવ આજે અથવા કાલે બંને દેશોના વિદેશ પ્રધાનો સાથે વાત કરે તેવી અપેક્ષા છે. તેઓ અન્ય વૈશ્વિક નેતાઓને પણ વાતચીતમાં જોડાવા અને તણાવ ઘટાડવામાં મદદ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.’
તેમણે કહ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ચાલુ રહે તે મહત્વપૂર્ણ છે. આ વાતચીત મહત્વપૂર્ણ છે.”