આપણું ગુજરાત

લાલ ચટાક મરચાથી ગોંડલ માર્કેટ યાર્ડ ઊભરાયું: મુહૂર્તમાં આટલે સુધી બોલાયો ભાવ

અમદાવાદ: રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ લાલ મરચાની આવક શરૂ થઇ છે અને મુહૂર્તમાં ભાવ રૂ. ૫૫૦૦ જેવો બોલાયો છે. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે ૨૫૦૦ ભારીની આવક નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વપરાશની વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌ પ્રથમ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે ૨૫૦૦ ભારીની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ લાલ ચટાક મરચાની આવકની નોંધાઈ અને મુહૂર્તમાં ભાવ ૫૫૦૦ જેવો બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષે છે. યાર્ડમાં અંદાજે ૨૫૦૦ ભારીની આવક થઈ છે. હરાજીમાં મરચાના સરેરાશ ૨૦ કિલો મરચાના ભાવ ૧૦૦૦ થી ૪૦૦૦ રૂપિયા સુધી બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાંની રેવાની ૧૨ ભારીના ભાવ ૫૫૦૦ સુધી બોલાયા હતા.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, ૭૦૨, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાંનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચાંનો પાક સૂકવીને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી અપીલ કરવામાં આવી હતી. ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતનાં રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button