આમચી મુંબઈ

સૂકો અને ભીનો કચરો અલગ નહીં કરનારાઓ પાસેથી સુધરાઈ વસૂલશે દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ જે લોકો સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવામાં અને તેના પર પ્રક્રિયા કરવામાં નિષ્ફળ રહ્યા છે, તેવા બલ્ક જનરેટરોને દંડવાનો નિર્ણય લીધો છે. તે માટે પાલિકા પ્રશાસને ૨૦૧૬ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (એસડબ્લુએમ)ના પેટા કાયદામાં ફેરફાર કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે, જે હેઠળ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી પાલિકાને દંડ વસૂલવાની સત્તા મળશે. હાલ મુંબઈમાં ૫૦ ટકાથી ઓછી સોસાયટીઓ તેમના પરિસરમાં ભીના કચરા પર પ્રક્રિયા કરી
રહી છે.

મુંબઈમાં પ્રતિદિન ૬,૦૦૦થી ૬,૫૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે. એસડબ્લુએમ નિયમ, ૨૦૧૬ મુજબ પાલિકા પર કચરાનો નિકાલ કરવાની જવાબદારી છે. ત્યારે ૨૦૧૭માં પાલિકાએ ૨૦,૦૦૦ ચોરસ મીટરથી મોટી તમામ હાઉસિંગ સોસાયટીઓ વેપારી સંસ્થાઓ અથવા ૧૦૦ કિલોમીટરથી વધુ ભીનો કચરો (જથ્થાબંધ જનરેટર) ઉત્પન્ન કરતી સંસ્થાઓને તેમના પરિસરમાં કચરાને અલગ કરીને તેનું ખાતર બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે ૨,૮૨૫ સોસાયટીમાંથી માત્ર ૧,૪૨૪ સોસાયટીઓએ જ પાલિકાનું નિયમનું પાલન કરી રહી છે.

તેથી હજી પણ મોટા પ્રમાણમાં સોસાયટીઓ તેમના પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરતી ન હોવાને કારણે પાલિકા માટે માથાનો દુખાવો બની ગયો છે.

નાગરિકોની ઉદાસીનતાને કારણે પાલિકાના ૨૦૩૦ની સાલ સુધીમાં શહેરમાં કચરો વ્યવસ્થાપન સુધારવા માટેની યોજનાને અસર થઈછે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અગાઉ પાલિકાએ મુંબઈ મ્યુનિસિપલ ઍક્ટ ૩૬૮ હેઠળ બલ્ક જનરેટરોને નોટિસ મોકલતી હતી, જેમાં હાઉસિંગ સોસાયટીઓને કચરો એકટો કરવો અને તેનો નિકાલ કરવો જરૂરી છે.

અમુક કેસ કોર્ટમાં પણ ગયા હતા. તેથી બ્લક જનરેટરોને દંડવાનું બંધ કર્યું હતું. તેથી લોકોને પાલિકા ફક્ત સૂકો કચરો જમા કરશે એવી ચેતવણી પણ આપી હતી. પરંતુ સ્થાનિક પ્રતિનિધિઓની દખલગીરીને કારણે આવી કાર્યવાહી પાછી ખેંચી લેવી પડી હતી. તેથી પાલિકાએ હાઉસિંગ સોસાયટીઓમાં જનજાગૃતિ લાવવાનું અભિયાન હાથ ધર્યું હતું.

પાલિકાા અધિકારીએ વધુમાં કહ્યું હતું કે કોવિડ સમયગાળામાં અનેક સોસાયટીઓએ તેમના પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરવાનું બંધ કરી દીધું હતું. હવે જોકે લિગલ ડિપાર્ટમેન્ટની મદદથી પેટા કાયદામાં ફેરફાર કરવામાં આવશે અને તેની મદદથી કાયદાનું ઉલ્લંઘન કરનારા પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા મળશે. પાલિકા પ્રશાસન પાસેથી મંજૂરી મળ્યા બાદ નાગરિકો પાસેથી સલાહ-સૂચનો મંગાવશું. દંડની રકમ હજી નક્કી કરવામાં આવી નથી. પરંતુ આગામી એક મહિનામાં આ નિયમનો અમલ કરવાનું વિચાર કરી રહ્યા છીએ.

પાલિકાા ડેટા મુજબ શહેરના ૨૪ પ્રશાસકીય વોર્ડમાંથી વરલી, ઘાટકોપર, સાયન-વડાલા જેવા વિસ્તારોમાં ૯૦ ટકાથી વધુ બલ્ક જનરેટર તેમના પરિસરમાં કચરો અલગ અલગ તારવે છે અને તેના પર પ્રક્રિયા કરે છે. જોકે પશ્ર્ચિમ ઉપનગરોની સોસાયટીમાં નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું જણાઈ આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button