દલ લેકની સફાઈ પાછળ ₹ ૧,૬૦૦ કરોડ ખર્ચાયા છતાં સ્થિતિ જેમની તેમ
સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: વિશ્ર્વ વિખ્યાત દલ લેકની સફાઈ પાછળ કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ વર્ષમાં રૂ. ૧,૬૦૦ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સ્થિતિ જેમની તેમ છે.
વિકાસના નામે દલ લેક પાછળ દર વરસે પાણીની જેમ પૈસાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં સ્થિતિમાં કોઈ ફરક પડ્યો હોવાનું નથી જણાઈ રહ્યું. દલ લેકની સુંદરતાને માત્ર ગ્રહણ જ લાગ્યું છે એવું નથી, પરંતુ તેની આવરદા પણ ઘટી ગઈ છે. કાશ્મીરની સુંદરતાને જાળવી રાખવી હશે તો દલ લેકને બચાવવું પડશે કેમ કે દલ લેક કાશ્મીરની સુંદરતાની ઓળખ છે. બીજા શબ્દોમાં કહીએ તો બંને એકમેકના પુરક છે. વધતા પ્રદૂષણ અને સરકારની ઉદાસિનતાને કારણે દલ લેકની આવરદા ૩૫૦ વર્ષ જેટલી જ બચી છે. જોકે સરકાર દલ લેકને બચાવી લેવા સંભવિત તમામ પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ઝીલ પરિયોજના અને પ્રધાનમંત્રી વિકાસ પેકેજ અંતર્ગત દલ લેકના વિકાસ અને સંરક્ષણ માટે ભંડોળ ઉપલબ્ધ કરાવ્યું છે. માત્ર એટલું જ નહીં. શહેરી વિકાસ યોજનામાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દલ લેકની સ્વચ્છતા જાળવવા હવે હાઉસ બૉટમાં બાયો ડાઈજેસ્ટર (જૈવિક શૌચાલય) લગાડવામાં આવશે જે દલ લેકને સ્વચ્છ રાખવામાં મદદગાર પુરવાર થશે.
હાઉસ બૉટમાંથી દરરોજ નીકળતા મળમૂત્રને દલ લેકમાં જતું રોકવા જમ્મુ-કાશ્મીર સરકાર બાયો ડાઈજેસ્ટર તૈયાર કરશે.
પ્રારંભિક તબક્કામાં અમુક હાઉસ બૉટમાં જ જૈવિક શૌચાલય બેસાડવામાં આવશે. પ્રયોગ સફળ થયા બાદ તબક્કાવાર તમામ હાઉસ બૉટમાં જૈવિક શૌચાલય બેસાડવામાં આવશે.