આમચી મુંબઈ

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ‘આ’ રહી નવી ડેડલાઈન, જાણો ક્યારે પ્રોજેક્ટ થશે પૂર્ણં?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રેલવે પ્રશાસન, ભારત સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆર) યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ત્યારે પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવી ડેડલાઈન આપી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મુંબઈને અમદાવાદ સાથે સાંકળતો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ૨૦૨૮ના અંત સુધીમાં પૂરો થશે. બુલેટ ટ્રેનનું કામ અત્યંત ઝડપથી ચાલી રહ્યું છે અને એવી આશા છે કે ૨૦૨૮ના અંત સુધીમાં તે પૂરો થઈ જશે, એમ ફડણવીસે પત્રકારોને કહ્યું હતું.

તેમણે મહાવિકાસ આઘાડી (MVA)ની સરકારના કાર્યકાળને બુલેટ ટ્રેનના વિલંબ માટે જવાબદાર ઠેરવી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની એમવીએ સરકારે આ પ્રોજેક્ટને અવરોધનારા નિર્ણયો લીધા હતા.

આને કારણે આ પ્રોજેક્ટ અઢી વર્ષ વિલંબમાં પડી ગયો હતો. જ્યારે ૭૦,૦૦૦થી ૮૦,૦૦૦ કરોડનું બુલેટ ટ્રેન પર રોકાણ કરવામાં આવ્યું હોય અને અઢી વર્ષ માટે પ્રોજેક્ટ અટકી પડે તો તેના પર ચડનારા વ્યાજનો ખર્ચ કોણ ભોગવશે? એવો સવાલ તેમણે કર્યો હતો. બીજી તરફ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ઘણું ઝડપથી કરવામાં આવ્યું છે.

નવી સરકાર સત્તામાં આવ્યા પછી અમે આવશ્યક પરવાનગીઓ આપી હતી અને કામ ઝડપથી ચાલુ કરવામાં આવ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે આ કામને આવશ્યક સમયમર્યાદામાં પૂરું કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ, એમ ફડણવીસે કહ્યું હતું.

અહીં એ જણાવવાનું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે લગભગ એક લાખ કરોડ રુપિયાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત પ્રોજેક્ટ પાર પડ્યા પછી મુંબઈથી અમદાવાદ બેથી અઢી કલાકમાં પહોંચાશે, જે અન્વયે જાપાન આગામી દિવસોમાં બે બુલેટ ટ્રેનની ભેટ આપશે. અગાઉ બુલેટ ટ્રેનની પ્રાપ્તિ અંગે ઉજળા સંજોગો નહોતા, પરંતુ હવે બુલેટ ટ્રેનનો માર્ગ મોકળો થયા પછી હવે રેલવેના ડ્રીમ પ્રોજેક્ટ વહેલો પૂરો થશે.

આપણ વાંચો:  જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button