નેશનલ

ગાઝા પર હુમલાની તીવ્રતા વધારીશું: ઈઝરાયલ

ભયંકર તારાજી:ઈઝરાયલના હવાઈદળે ગાઝા પટ્ટીમાં ત્રાસવાદીઓના સ્થળો પર કરેલા બૉમ્બમારા પછી પેલેસ્ટીનિયનો કાટમાળને નિહાળી રહ્યા છે. (એપી)

ગાઝા: હમાસશાસિત વિસ્તારમાં વધુ રાહત સામગ્રી મોકલવાની પરવાનગી આપ્યા બાદ ઈઝરાયલના યુદ્ધવિમાનોએ સોમવારે સવારે ગાઝામાં શરણાર્થીઓને જ્યાં આશરો લેવાનું જણાવ્યું હતું એ સહિતના વિસ્તાર પર હુમલો કર્યો હતો.

હમાસના આતંકવાદીઓએ સાત ઑક્ટોબરે ઈઝરાયલના દક્ષિણ પ્રદેશ પર હુમલો કર્યો હતો જેના જવાબમાં ઈઝરાયલ ગાઝાપટ્ટી પર જમીન માર્ગે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

આ માટે ગાઝા સરહદ નજીક ટેન્કો અને સેના ખડકી દેવામાં આવી છે. આગામી તબક્કામાં સેના પરનું જોખમ ખટાડવાના ઈરાદાથી ઈઝરાયલે ગાઝાપટ્ટી પર હવાઈહુમલાનું પ્રમાણ વધારી દીધું છે. તાજેતરના દિવસોમાં ઈઝરાયલના યુદ્ધવિમાનોએ સિરિયા, લૅબેનોન અને વૅસ્ટ બૅન્ક પર કરેલા હવાઈહુમલાને કારણે યુદ્ધ વધુ વકરે એવો ભય સેવાઈ રહ્યો છે.

હજારો રોકેટથી સજ્જ લૅબેનોનસ્થિત હિઝબુલ્લા આતંકવાદી જૂથ સાથે ીઝરાયલની સેનાએ અનેકવાર બાથ ભીડી છે.

વડા પ્રધાન બૅન્જામિન નૅતાન્યાહૂએ રવિવારે ઈઝરાયલની સેનાને જણાવ્યું હતું કે જો હિઝબૂલ્લા આતંકવાદી જૂથ ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ જાહેર કરશે તો એ તેમની ગંભીર ભૂલ હશે. તેમણે કલ્પના પણ નહીં કરી હોય એ રીતે અમે તેમને કચડી નાખીશું અને તેનું પરિણામ હિઝબૂલ્લા અને લૅબેનોન માટે ઘાતક અને વિનાશક હશે, એમ બૅન્ઝામિને કહ્યું હતું. હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા આરંભિક હુમલામાં ૧,૪૦૦ કરતા પણ વધુનાં મોત થયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા.

ઓછામાં ઓછા ૨૧૨ ઈઝરાયલી નાગરિકને પકડીને ગાઝા લઈ જવામાં આવ્યા હતા. શુક્રવારે રાહત સામગ્રીની પ્રથમ શિપમેન્ટ ગાઝા મોકલવામાં આવ્યાના ગણતરીના કલાકો બાદ અમેરિકાના બે નાગરિકને મુક્ત કરવામાં આવ્યા હતા. ગાઝામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪,૬૦૦ લોકો માર્યા ગયા છે અને તેમાં હૉસ્ટિપલ પર કરવામાં આવેલા વિવાદાસ્પદ હુમલામાં માર્યા ગયેલાઓનો પણ સમાવેશ થાય છે. અગાઉ, ઈઝરાયલના યુદ્ધવિમાનોએ શનિવારે રાત્રે અને રવિવારે ગાઝાપટ્ટી ઉપરાંત સીરિયાના બે હવાઈમથક અને આતંકવાદીઓ દ્વારા કથિત ઉપયોગમાં લેવાતી વૅસ્ટ બૅન્કસ્થિત મસ્જિદ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલના આ હુમલાને કારણે લગભગ બે અઠવાડિયાથી ચાલતા આ યુદ્ધની સ્થિતિ વધુ વકરે એવી શક્યતા છે.

યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈઝરાયલ દૈનિક ધોરણે લૅબેનોનસ્થિત હમાસના આતંકવાદીઓ પર સતત બૉમ્બ વરસાવી રહ્યું છે. ઈઝરાયલના કબજા હેઠળના વૅસ્ટ બૅન્ક વિસ્તારમાં પણ તણાવ વધી રહ્યો છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button