ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ, રશિયાને ભારતને સમજાવવા અપીલ કરી

નવી દિલ્હી : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લેવાની શરૂઆત કરી છે. તેમજ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ વધ્યો છે. પાકિસ્તાનના નેતાઓ એક તરફ ભારતને પરમાણુ હુમલા સુધીની ધમકીઓ આપી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન હવે આ મુદ્દે રશિયા પાસે પહોંચ્યું છે. તેમજ રશિયાને ભારત મુદ્દે અપીલ કરી છે. પાકિસ્તાને આ ઉપરાંત તુર્કી સાથે પણ આ મુદ્દે વાતચીત કરી છે.
ભારત એક્શન મોડમાં
આ અંગે પાકિસ્તાનના રાજદુત મોહમ્મદ ખાલીદ જમાલીએ હાલમાં રશિયાના ડેપ્યુટી વિદેશ મંત્રી આંદ્રે રૂદેનકો સાથે મુલાકાત કરી હતી. તેમણે આ દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે વાત કરી. પાકિસ્તાનને ભય છે કે ભારત તેની પર હુમલો કરી શકે છે. તેણે રશિયાને ભારતને રોકવા માટે અપીલ કરી છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં છે અને પીએમ મોદીએ પણ દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે આ હુમલાના ગુનેગારોને સજા આપવામાં આવશે.
રશિયાએ પાકિસ્તાનને કર્યું આ સૂચન
પાકિસ્તાની રાજદૂતને મળ્યા બાદ રશિયન વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. રશિયાએ કહ્યું કે તેણે પાકિસ્તાનને સૂચન કર્યું છે કે તેણે ભારત સાથે વાતચીત દ્વારા આ મુદ્દો ઉકેલવો જોઈએ. પાકિસ્તાને અગાઉ તુર્કીનો પણ સંપર્ક કર્યો હતો. અહેવાલો અનુસાર એક ગુપ્ત વિમાન તુર્કીથી પાકિસ્તાન પહોંચ્યું છે.
ભારત પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી શકે છે
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને ભારત માટે એર સ્પેશ બંધ કરી દીધી છે. હવે ભારત તેની મુશ્કેલીઓ વધારી શકે છે. ભારત પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. આના કારણે પાકિસ્તાની ફ્લાઇટ્સનો રૂટ લાંબો થશે અને તેમને નુકસાન પણ થશે. ભારત પાકિસ્તાન માટે પોતાના બંદરો પણ બંધ કરી શકે છે.
આપણ વાંચો: પહલગામ હુમલા બાદ પ્રથમ વખત મળશે મોદી કેબિનેટની મીટિંગ, લેવામાં આવી શકે છે આકરા નિર્ણય