આમચી મુંબઈ

હવે દસમાના વિદ્યાર્થીએ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

મરાઠા આરક્ષણ માટે ૨૪ કલાકમાં આત્મહત્યાની બે ઘટના

નાંદેડ: મરાઠા આરક્ષણની માગણીને લઇ નાંદેડ જિલ્લામાં આત્મહત્યાનો સિલસિલો શરૂ જ છે. શનિવારે રાતે ૨૪ વર્ષના યુવકે આરક્ષણને લઇ જંતુનાશક દવા ગટગટાવી આત્મહત્યા કરી હતી, જ્યારે રવિવારે નાયગાંવ તાલુકામાં દસમા ધોરણના ૧૬ વર્ષના વિદ્યાર્થીએ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પૂર્વે વિદ્યાર્થીએ ચિઠ્ઠી લખી હતી, જેમાં મરાઠા સમાજને આરક્ષણ મળતું ન હોવાથી પોતે અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આમ મરાઠા આરક્ષણ માટે જિલ્લામાં ૨૪ કલાકમાં બે જણે આત્મહત્યા કરતાં ખળભળાટ મચી ગયો હતો.

મૃત વિદ્યાર્થીની ઓળખ ઓમકાર આનંદ બાવણે તરીકે થઇ હોઇ તેનાં માતા-પિતા મજૂરીકામ કરે છે. રવિવારે સાંજે ઓમકાર ગામમાં કૂવા પાસે ગયો હતો. કૂવા પાસે ચિઠ્ઠી મૂક્યા બાદ તેણે કૂવામાં ઝંપલાવી દીધું હતું. દરમિયાન બનાવની જાણ થતાં ગામવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઓમકારને બહાર કાઢ્યો હતો. ઓમકારને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button