ઇન્ટરનેશનલ

કેનેડાની ચૂંટણી પરિણામોમાં ખાલિસ્તાની એજન્ડાને મોટો ફટકો, જગમીત સિંહની કારમી હાર

નવી દિલ્હી : કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત જીત મેળવીને સરકારની રચના કરી છે. જ્યારે કેનેડાના ચૂંટણીના પરિણામોએ માત્ર રાજકીય સમીકરણો જ નથી બદલ્યા પરંતુ ખાલિસ્તાની એજન્ડાને પણ મોટો ફટકો આપ્યો છે. આ ચૂંટણીમાં હંમેશા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ટેકો આપનારા જગમીત સિંહને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારીને તેમણે સંસદ સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું. આ સાથે, તેમની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)પણ કારમી હાર બાદ સંકટમાં આવી ગઈ છે.

રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો ગુમાવી શકે છે

આ ચૂંટણીમાં NDP ને એટલી ઓછી બેઠકો મળી કે પાર્ટી હવે રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો ગુમાવી શકે છે. કેનેડામાં રાષ્ટ્રીય દરજ્જો જાળવી રાખવા માટે, કોઈપણ પક્ષે ઓછામાં ઓછી 12 બેઠકો જીતવી આવશ્યક છે, પરંતુ NDP આમ કરવામાં નિષ્ફળ ગયું. આ એ જ પક્ષ છે જેને જગમીત સિંહે પોતે એક સમયે કિંગમેકર તરીકે રજૂ કર્યો હતો.

જગમીત સિંહને માત્ર 27.3 ટકા મત મળ્યા

આ વખતે ખુદ જગમીત સિંહ પણ પોતાની બેઠક બચાવી શક્યા નહીં. તેમણે બ્રિટિશ કોલંબિયાની બર્નાબી સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જ્યાં તેમને લિબરલ પાર્ટીના ઉમેદવાર વેડ ચાંગે હરાવ્યા હતા. જગમીત સિંહને માત્ર 27.3 ટકા મત મળ્યા હતા. જ્યારે વિજેતાને 40 ટકાથી વધુ મત મળ્યા. આ પરિણામોએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના સંસદીય મતવિસ્તારમાં ત્રીજા સ્થાને રહ્યા. જે તેમના રાજકીય કારકિર્દી માટે ગંભીર ફટકો છે. હાર બાદ તરત જ મીડિયા સાથે વાત કરતા, જગમીત સિંહે કહ્યું કે તેઓ પરિણામોથી નિરાશ છે પરંતુ મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ પાર્ટી ફરીથી સારું પ્રદર્શન કરશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદનથી ફાયદો

કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના શરૂઆતના વલણોએ પહેલાથી જ સંકેત આપ્યો હતો કે લિબરલ પાર્ટી બહુમતીની નજીક છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સના 51માં રાજ્ય તરીકે વારંવાર ઉલ્લેખ કરવાથી અને ટ્રુડોને ગવર્નર તરીકે ઉલ્લેખ કરવાથી સામાન્ય કેનેડિયન જનતામાં રાષ્ટ્રીય ઓળખની ભાવના હચમચી ગઈ. આનાથી લિબરલ પાર્ટીને પ્રજાનું સમર્થન મેળવવામાં મદદ મળી.

આપણ વાંચો:  કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના પત્ની શું કરે છે? જાણો ક્યાં વિગત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button