
(અજય મોતીવાલા)
જયપુર: ‘આઈપીએલ બચ્ચોં કા ખેલ નહીં હૈં…’ એવું વર્ષોથી કહેવાતું હતું, પણ રાજસ્થાન રોયલ્સના 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર)એ સોમવારે રાત્રે ઉંમરમાં તેનાથી અનેકગણા સિનિયર ખેલાડીઓને શરમાવે એવું જબરદસ્ત પર્ફોર્મ કર્યું. મૂછનો દોરો માંડ ફૂટ્યો છે એવા આ છોકરડાએ ઈશાન્ત શર્મા, રાશીદ ખાન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, વૉશિંગ્ટન સુંદર સહિતના દિગ્ગજ બોલર્સની બોલિંગમાં છગ્ગા-ચોક્કાની રમઝટ બોલાવીને માત્ર જયપુરના સ્ટેડિયમને કે આઈપીએલને જ નહીં, સમગ્ર ક્રિકેટજગત ગજવી નાખ્યું. અફઘાનિસ્તાનના નવા પેસ બોલર કરીમ જનતની એક જ ઓવરમાં લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવે 30 રન (6,4,6,4,4,6) ફટકારીને તેના (કરીમના) નામે અણગમતો વિક્રમ લખાવી દીધો.
Superstar Vaibhav Suryavanshi More power to you youngster @rajasthanroyals pic.twitter.com/bYSwAWVb6m
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 28, 2025
બિહારનો ટીનેજ-ટેણિયો તો ગજબનો નીકળ્યો.
‘પુષ્પા: ધ રાઇઝ’ના એક્ટર અલ્લુ અર્જુન (પુષ્પા રાજ)નો ફેમસ ડાયલૉગ યાદ છેને!… ‘નામ સૂન કે ફ્લાવર સમઝે ક્યા…ફ્લાવર નહીં, ફાયર હૈં મૈં.’આ સૂર્યમુખીનું ફૂલ નહીં, સૂર્યવંશી છે. જાણે સૂર્યનો વંશજ. આ સૂર્યવંશીએ તો ક્રિકેટને ‘જાણે આગ લગાડી’ દીધી.

યશસ્વી પણ ચમક્યો:
ગુજરાત ટાઇટન્સ (જીટી)એ 20 ઓવરમાં કેપ્ટન શુભમન ગિલના 84 રનની મદદથી ચાર વિકેટે 209 રન કર્યા બાદ રાજસ્થાને 15.5 ઓવરમાં બે વિકેટે 212 રન કરીને વિજય મેળવ્યો હતો. એ 212 રનમાં સૂર્યવંશીના 101 રન ઉપરાંત યશસ્વી (70 અણનમ, 40 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને કાર્યવાહક કેપ્ટન રિયાન પરાગનું અણનમ 32 રનનું યોગદાન હતું. સૂર્યવંશી અને યશસ્વી વચ્ચે 166 રનની રેકોર્ડ-બ્રેક ઓપનિંગ પાર્ટનરશીપ થઈ હતી.
આરઆરની ટીમને જાણે સંજીવની મળી:
રાજસ્થાન રોયલ્સ (આરઆર)ની ટીમ આ સીઝનમાંથી બહાર થવાની તૈયારીમાં જ હતી (સોમવારે ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હોત તો પ્લે-ઑફની રેસમાંથી આઉટ જ થઈ ગઈ હોત), પરંતુ બિહાર રાજ્યના સમસ્તીપુર જિલ્લાના ભૂતપૂર્વ ક્રિકેટર સંજીવ સૂર્યવંશીના પુત્ર વૈભવ સૂર્યવંશીએ આ ટીમને સંજીવની આપી અને પોઈન્ટ્સ-ટેબલમાં સાવ તળિયેથી આઠમા નંબર પર લાવી દીધી. 10માંથી માત્ર 3 મૅચ જીતનારી આ ટીમ હવે બાકીની 4 લીગ મૅચમાં સારું નહીં રમે અને સ્પર્ધાની બહાર થઈ જશે તો પણ એના ચાહકો સાવ નિરાશ નહીં થાય, કારણકે તેમના 14 વર્ષના આ ટાબરિયાએ રાજસ્થાનની ટીમને એવું ગૌરવ અપાવ્યું છે જે ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે.
10 days of pure hardwork, to go from 50* to 100* in 10 minutes.pic.twitter.com/IpfPEi0ojQ
— Rajasthan Royals (@rajasthanroyals) April 28, 2025
2008ની પ્રથમ સીઝન વખતે જન્મ્યો પણ નહોતો
2008ની પ્રથમ આઈપીએલમાં (18 વર્ષ પહેલાં) રાજસ્થાનની ટીમ શેન વૉર્નના સુકાનમાં સૌપ્રથમ ચેમ્પિયન બની ત્યારે વૈભવ સૂર્યવંશીનો જન્મ પણ નહોતો થયો અને આ વખતે જોત જોતામાં તેણે અનેક વિક્રમો ખડકી દીધા અને અલગ રીતે રાજસ્થાન રોયલ્સનું નામ રોશન કર્યું. ગયા વર્ષે માત્ર 13 વર્ષની ઉંમરે આઈપીએલની હરાજીમાં મૂકવામાં આવ્યો ત્યારથી તેણે વિક્રમો રચવાની શરૂઆત કરી હતી. રાજસ્થાનના ફ્રેન્ચાઈઝીએ (ખાસ કરીને હેડ-કોચ રાહુલ દ્રવિડે) તેને ઑક્શનમાં 1.10 કરોડની કિંમતે) ખરીદ્યો હતો. સોમવારે તેણે રાજસ્થાનની ટીમના માલિકોને એ એક જ ઐતિહાસિક સેન્ચુરીથી 1.10 કરોડ રૂપિયા વસૂલ કરી આપ્યા. રાજસ્થાનની ટીમની લોકપ્રિયતાનો ગ્રાફ તેણે એક જ મૅચમાં જિતાડીને ઊંચે લાવી દીધો.

101 રનની ઇનિંગ્સના આ અનેરા વૈભવ છતાં સૂર્યવંશીના ચહેરા પર સહજ ભાવ જ જોવા મળ્યો. 17 બૉલમાં 50 રન અને પછી 35 બૉલમાં 100 રન પૂરા કર્યાં બાદ પણ તેના ચહેરા પર અભિમાની આક્ર્મકતા નહોતી, ઘમંડનો ઘેરાવો પણ નહોતો અને ટીકાકારોને ઈશારામાં કઈંક ટિપ્પણી કરી દેવાનો સંકેત પણ લેશમાત્ર નહોતો આપ્યો. તેણે તો બસ, જાણે સેન્ચુરી કરવાનું લક્ષ્ય હાંસલ કરી લીધું એવો સંતોષ જ તેના મુખ પર જોવા મળ્યો હતો.વૈભવ સૂર્યવંશી 27મી માર્ચે 14 વર્ષનો થયો અને 19મી એપ્રિલે લખનઊ સામેની મૅચથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું અને પહેલા જ બૉલ પર સિક્સર ફટકારીને પોતાની કાબેલિયત અને ક્ષમતાની દુનિયાને ઝલક કરાવી દીધી હતી
તાજપુરના સૂર્યવંશીના માથે ‘તાજ’નો વૈભવ
વૈભવ સૂર્યવંશીનો જન્મ 2011ની 27મી માર્ચે બિહારમાં સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. અન્ડર 19 ક્રિકેટની ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી ચૂકેલા વૈભવે હવે આઇપીએલમાં ચમકીને તાજપુર ગામને શિરપાવ અપાવ્યો છે.

પિતાએ જમીન વેચીને ક્રિકેટર બનાવ્યો
વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશીએ થોડા વર્ષ પહેલાં પુત્ર વૈભવને ક્રિકેટર બનાવવા માટે આર્થિક સંઘર્ષ વચ્ચે ખેતરની જમીન વેચી દીધી હતી. વૈભવી એક જ સીઝનમાં (1.10 કરોડ રૂપિયાના કોન્ટ્રેક્ટ સાથે) પિતાને વળતર આપી દીધું છે.
સોમવારના વિક્રમો પર એક નજર…
વૈભવે રાજસ્થાનની ટીમને રાતોરાત વૈભવશાળી બનાવી દીધી છે. તેના સોમવારના વિક્રમોની યાદી:
(1) ટી-20 ક્રિકેટમાં 14 વર્ષની ઉંમરે યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો.
(2) વૈભવ સૂર્યવંશી ભારતીઓમાં ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપે (35 બૉલમાં) સદી ફટકારનાર ખેલાડી બન્યો. યુસુફ પઠાણ (37 બૉલમાં સદી)નો ભારતીય વિક્રમ તેણે તોડ્યો.
(3) વૈભવ સમગ્ર ટી-20 ક્રિકેટમાં ક્રિસ ગેઈલ (30 બૉલમાં સદી) પછીનો બીજા નંબરનો ફાસ્ટેસ્ટ સેન્ચુરીયન બન્યો.
(4) આઈપીએલની એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ 11 સિક્સર ફટકારવાના મુરલી વિજય (2010માં રાજસ્થાન સામે)ના ભારતીય વિક્રમની બરાબરી કરી અને રાજસ્થાનના કેપ્ટન સૅમસનનો 10 સિક્સરનો રેકોર્ડ તોડ્યો.
(5) ટી-20 સેન્ચુરીમાં બાઉન્ડરીઝની હાઈએસ્ટ ટકાવારી… વૈભવે 101માંથી 94 રન બાઉન્ડરીઝમાં બનાવ્યા (11 સિક્સર, 7 ફોર).
(6) સૂર્યવંશી-યશસ્વી વચ્ચે 166 રનની ઓપનિંગ ભાગીદારી થઈ જે રાજસ્થાન માટે નવો વિક્રમ છે. વૈભવે આ રેકોર્ડ ભાગીદારી રાજસ્થાનના જ ભૂતપૂર્વ ખેલાડી અને ગુજરાતના વિકેટકીપર જૉસ બટલરની હાજરીમાં નોંધાવી. 2022માં રાજસ્થાન વતી બટલર-પડિક્કલની જોડીએ દિલ્હી સામે 155 રનની પાર્ટનરશિપ કરી હતી જે હવે તૂટી ગઈ છે.
(7) સૂર્યવંશીએ અફઘાનિસ્તાનના નવા પેસ બોલર કરીમ જનતના છ બૉલમાં 30 રન ફટકાર્યા જે આઈપીએલમાં એક જ ઓવરમાં કરવામાં આવેલા રનનો નવો રેકોર્ડ છે. સૂર્યવંશીએ આ છ બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોર ફટકારી હતી.
(8) પાવરપ્લેની (શરૂઆતની) છ ઓવરમાં સૂર્યવંશી-યશસ્વીએ જોડીમાં 87 રન કર્યા હતા. આઈપીએલમાં પાવરપ્લેની ઓવરમાં બનેલા રનની રેકોર્ડ બુકમાં આ નવો વિક્રમ છે. તેમણે હૈદરાબાદનો 85 રનનો રેકોર્ડ તોડી નાખ્યો.
આ પણ વાંચો…Video: વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારતાં રાહુલ દ્રવિડ આવી ગયો જોશમાં, આ રીતે કર્યું સેલિબ્રેશન