
જયપુરઃ આઈપીએલ 2025નો 47મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયો હતો. મેચમાં ગુજરાત ટાઈન્ટસે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટના નુકસાન પર 209 રન બનાવ્યા હતા. મેચ જીતવા 210 રનના ટાર્ગેટને રાજસ્થાન રોયલ્સે 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ 38 બોલમાં 101 રન ફટકાર્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 11 સિક્સ ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે પણ 40 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા.
વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં 35 બોલમાં સદી પૂરી કરી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વૈભવની સદીનો વીડિયો વાઇરલ થયો છે. સદી ફટકારી ત્યારે રાજસ્થાન રોયલ્સનો કોચ રાહુલ દ્રવિડ પણ વ્હીલચેરમાંથી ઉભો થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે વૈભવની સદીનો જશ્ન મનાવ્યો હતો. સેલિબ્રેશન દરમિયાન રાજસ્થાન રોયલ્સનો હેડ કોચ રાહુલ દ્રવિડ તેના પગમાં ઈજા થઈ છે તે પણ ભૂલી ગયો હતો.
વૈભવ સૂર્યવંશીએ રાશિદ ખાનની ઓવરમાં સિક્સ મારીને 17 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. જે બાદ ઐતિહાસિક સદી પૂરી કરવામાં માત્ર 18 બોલ લીધા હતા. વૈભવે અફઘાનિસ્તાનના બોલર કરીમ જન્નતની એક ઓવરમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને 30 રન લીધા હતા. કરીમની આઈપીએલ ડેબ્યૂ મેચમાં તેની ધોલાઈ કરી હતી.
ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આઈપીએલ 2025 મેગા ઓકશનમાં રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડમાં કરારબદ્ધ કર્યો હતો. સૂર્યવંશી ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા અંડર 19 સામે એક અનઓફિશિયલ ટેસ્ટમાં ઈન્ડિયા 19 તરફથી રમતી વખતે સૌથી ઝડપી સદી ફટકારીને લાઇમલાઇટમાં આવ્યો હતો. વૈભવ સૂર્યવંશી 13 વર્ષની વયે ઈન્ટરનેશનલ સદી ફટકારનારો સૌથી નાની ઉંમરનો બેટ્સમેન પણ બન્યો હતો. તેણે 62 બોલમાં 104 રન બનાવ્યા હતા.
4 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું
વૈભવ સૂર્યવંશીનો જન્મ 27 માર્ચ, 2011ના રોજ બિહારના તાજપુર ગામમાં થયો હતો. તે માત્ર 4 વર્ષની વયે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેના પિતા ખેડૂત છે. દીકરાની પ્રતિભાને ઓળખીને તેમણે ઘરની પાછળ એક નાનું મેદાન તૈયાર કર્યું. એટલું જ નહીં, પોતાના પુત્રના સ્વપ્નને પૂર્ણ કરવા માટે, તેમણે પોતાની ખેતીની જમીન પણ વેચી દીધી હતી. વૈભવ 9 વર્ષનો હતો, ત્યારે તેને સમસ્તીપુરની એક ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાંથી તેણે સખત મહેનત કરી અને વિજય મર્ચન્ટ ટ્રોફી માટે અંડર-16 ટ્રાયલ્સમાં પહોંચ્યો. ઉંમરને કારણે તે મુખ્ય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો, પરંતુ ભૂતપૂર્વ રણજી ખેલાડી મનીષ ઓઝાના કોચિંગ હેઠળ તેણે પોતાને એક પરિપક્વ બેટ્સમેનમાં પરિવર્તિત કર્યો.
રાજસ્થાન રોયલ્સે બધાનું ધ્યાન ખેંચ્યું
IPL 2025 ની ઓક્શન પહેલા, રાજસ્થાન રોયલ્સે વૈભવને ટ્રાયલ માટે નાગપુર બોલાવ્યો હતો. તેણે ટ્રાયલ્સમાં પોતાની તાકાત એવી રીતે દર્શાવી કે રાજસ્થાન અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બોલી લગાવવાનો જંગ શરૂ થઈ ગયો. આખરે તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. માત્ર 13 વર્ષની ઉંમરે, તે IPL હરાજીમાં ભાગ લેનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.
આ પણ વાંચો…RR VS GT: ગુજરાત સામે રાજસ્થાનની ભવ્ય જીત, સૂર્યવંશીએ સૌથી ઝડપી સેન્ચુરી ફટકારી રચ્યો ઇતિહાસ…