આમચી મુંબઈ

ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન ૨૬ ઓક્ટો.થી પાંચમી નવેમ્બર સુધી ૨,૫૫૦ લોકલ ટ્રેન રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી રેલવે લાઈનનું કામકાજ ઝડપથી પૂરું કરવાનું લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું છે. ખાર અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે ૮.૮ કિલોમીટર લાંબી વધારાની લાઈનનું નિર્માણ કરવામાં
આવશે, તેથી મુંબઈ સબર્બનમાં રોજ ૨૫૦થી ૩૦૦ લોકલ ટ્રેનને રદ કરવામાં આવશે, તેથી ટ્રેનસેવા પર અસર પડશે.

આ નવી લાઈન માટે સાતમી ઓક્ટોબરથી કામકાજ ચાલી રહ્યું છે, જેમાં નોન-ઈન્ટરલોકિંગ કામગીરી માટે ૨૬મી ઓક્ટોબરથી પાંચમી નવેમ્બર, ૨૦૨૩ સુધી બ્લોક રહેશે, તેથી રોજ સેંકડો ટ્રેનોને રદ કરવામાં આવશે. ૨૭મી ઓક્ટોબરથી છઠ્ઠી નવેમ્બર, ૨૦૨૩ના લગભગ ૨,૫૨૫ જેટલી ટ્રેન રદ રહેશે, તેથી પ્રવાસીઓને ટ્રેનોમાં ભયંકર ભીડનો સામનો કરવાની નોબત આવશે.

૨૭મી ઓક્ટોબરથી બ્લોક શરુ થશે, જ્યારે પાંચમી નવેમ્બર સુધી રોજ મહત્તમ ટ્રેન રદ રહેશે, જેમાં ૨૭ અને ૨૮મી ઓક્ટોબરના ૨૫૬ (અપ એન્ડ ડાઉન), ૨૯મી ઓક્ટોબરના ૨૩૦ (અપ એન્ડ ડાઉન), ૩૦, ૩૧ ઓક્ટોબર અને પહેલી-બીજી, ત્રીજી નવેમ્બરના ૩૧૬ (અપ એન્ડ ડાઉન) તથા ચોથી અને પાંચમી નવેમ્બર (શનિવાર/રવિવાર)ના અનુક્રમે ૯૩ અને ૧૧૦ જેટલી ટ્રેન રદ રહેશે.
તહેવારોના દિવસોમાં પશ્ચિમ રેલવેની લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડશે, કારણ કે આગામી દિવસોમાં સ્પેશ્યલ બ્લોક હાથ ધરવામાં આવશે. સાતમી ઓક્ટોબરથી પશ્ચિમ રેલવેમાં રોજ ટ્રેનો રદ રહે છે, પરંતુ એના મુદ્દે પ્રશાસનના પેટનું પાણી પણ હાલતું નથી. પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે પશ્ચિમ રેલવેના કોરિડોરમાં છઠ્ઠી લાઈનનું નિર્માણ કાર્ય સૌથી વધુ જરુરી છે. નવી લાઈન મળવાને કારણે લોકલ ટ્રેન માટે નવો પાથ મળશે, જ્યારે વધુ લોકલ ટ્રેન દોડાવવાની શક્યતા રહેશે.

પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર-દહાણુ રોડના કોરિડોરમાં મળીને રોજના ૧,૩૯૪ લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જેમાં ૭૯ એસી લોકલનો સમાવેશ થાય છે. કોરોના મહામારી પૂર્વે લોકલ ટ્રેનમાં ૩૫ લાખથી વધુ લોકો ટ્રાવેલ કરે છે. પીક અવર્સમાં દર ત્રણ મિનિટે લોકલ ટ્રેન દોડાવાય છે, તેથી રોજની અઢીસોથી ૩૫૦ સુધી ટ્રેન રદ થવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં મુસાફરી કરવામાં મુશ્કેલી પડી શકે છે, એમ નિષ્ણાતે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button