‘ઘા પર મીઠું ભભરાવવું’, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આતંકવાદીઓ પરની ટિપ્પણી બદલ કોંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવારની ઝાટકણી કાઢી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના કેબિનેટના સાથી ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે સિનિયર કૉંગ્રેસી નેતા વિજય વડેટ્ટીવાર દ્વારા કરવામાં આવેલા નિવેદન કે ‘શું આતંકવાદીઓ પાસે ગોળીબાર કરતા પહેલા ધર્મ વિશે પૂછવાનો સમય છે’ના મુદ્દે તેમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
‘વડેટ્ટીવારનું નિવેદન અસંવેદનશીલ છે. આવું નિવેદન આપીને તેઓ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓના ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે. બધાએ બતાવી દીધું છે કે મૃતકોના સંબંધીઓએ શું કહ્યું છે. પીડિતોને તેમના સંબંધીઓની સામે મારવામાં આવ્યા હતા અને તે સમય દરમિયાન વડેટ્ટીવાર ત્યાં હાજર નહોતા. મને સમજાતું નથી કે આ મૂર્ખતા છે કે શું,’ એમ મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું.
‘સંબંધીઓએ તેમની સામે જે બન્યું તે કહ્યું હતું અને તેને ખોટી રીતે રજૂ કરવું વધુ અસંવેદનશીલ છે. પીડિતોના સંબંધીઓ વડેટ્ટીવારને ક્યારેય માફ નહીં કરે. જે લોકો આવા નિવેદનો આપી રહ્યા છે તેઓ પણ આપણા દુશ્મન છે અને તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે,’ એમ ફડણવીસે કહ્યું હતું.
રાજ્ય ભાજપના વડા અને મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પણ વડેટ્ટીવારની ટીકા કરતા તેમના નિવેદનને અસંવેદનશીલતાની ચરમસીમા સમાન ગણાવ્યું હતું. ‘વારંવાર સાબિત થયું છે કે કાશ્મીરમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર કઈ દુનિયામાં રહે છે? ‘આતંકવાદીઓની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી’ એમ કહીને વડેટ્ટીવાર કોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે? શું કોંગ્રેસના નેતાઓ આતંકવાદીઓને નિર્દોષ જાહેર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?’ એમ તેમણે પૂછ્યું હતું.
‘વિજય વાડેટ્ટીવારનું નિવેદન આતંકવાદીઓના ચહેરા ઢાંકવા અને તેમને રક્ષણ આપવાનો ઘૃણાસ્પદ પ્રયાસ દર્શાવે છે. આ માત્ર બેજવાબદારીભર્યું નથી, પણ રાષ્ટ્રવિરોધી માનસિકતાનું ઉદાહરણ પણ છે. દેશને પ્રેમ કરતા દરેક ભારતીયે વડેટ્ટીવારના નિવેદનની સખત નિંદા કરવી જોઈએ. કોંગ્રેસના નેતાઓ ભારતીયોની લાગણીઓ સાથે રમી રહ્યા છે, ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે અને રાજકારણ કરી રહ્યા છે, લોકો આ ક્યારેય ભૂલી શકશે નહીં,’ એવો દાવો બાવનકુળેએ કર્યો હતો.
જોકે, ચોફેરથી થઈ રહેલી ટીકા પછી વડેટ્ટીવારે એવી સ્પષ્ટતા કરી હતી કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુખ્ય હેતુ બે ધર્મો વચ્ચે તિરાડ ઉભી કરવાનો, ભારતની એકતાને ભંગ કરવાનો અને દેશમાં અસ્થિરતા પેદા કરવાનો છે. આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સરકાર જે પણ કાર્યવાહી કરશે તેને કોંગ્રેસ સમર્થન આપશે. ભારતની અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે આવા રાષ્ટ્રવિરોધી વલણોને તોડવું અનિવાર્ય છે. ભારત એક છે અને એક રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પહેલાં સવારના ભાગમાં વડેટ્ટીવારે પત્રકારોને કહ્યું હતું કે ‘આપણને કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ પહેલાં ધર્મ પૂછીને પછી લોકોની હત્યા કરી હતી. શું આતંકવાદીઓ પાસે આટલો સમય હોય છે કે તેઓ કોઈની નજીક જઈને કાનમાં તેમનો ધર્મ પૂછે? આ ભારે વિવાદાસ્પદ છે. કેમ કે કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે આવું થયું હતું. જ્યારે કેટલાક લોકો આનો ઈનકાર કરી રહ્યા છે. આતંકવાદીઓને કોઈ જાતિ કે ધર્મ હોતો નથી.
આતંકવાદી હુમલાના મુળ મુદ્દાથી ધ્યાન અન્યત્ર ખેંચવાનું અયોગ્ય છે. અમે એવું માનીએ છી કે કે આ હુમલો દેશ પર છે અને તેનો યોગ્ય વળતો જવાબ આપવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારવી જોઈએ. દરમિયાન કૉંગ્રેસના નેતા શિવસેનાના રાજ્યસભાના સભ્ય મિલિંદ દેવરાના નિશાન પર પણ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પહલગામમાં ભારતીયો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને વડેટ્ટીવારનો પ્રયાસ પાકિસ્તાનને બચાવવાનો છે. એવી જ રીતે જેમ કે તેમણે એવો દાવો કર્યો હતો કે હેમંત કરકરેને પાકિસ્તાની બુલેટ વાગી નહોતી.