આમચી મુંબઈ

હજુ ઉકેલ નહીંઃ ન્યૂ ઈન્ડિયા બૅંકના ડિપોઝિટર્સનું થાણેમાં પ્રદર્શન

બૅંકને ઝડપથી બેઠી કરવા અથવા મર્જર કરવાની માગણી

મુંબઈ: કૌભાંડગ્રસ્ત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના ડિપોઝિટરોએ થાણેમાં સોમવારે વિરોધ પ્રદર્શન કરીને બૅંકને જલદીથી બેઠી કરવા અથવા બૅંકનું મર્જર કરવાની માગણી કરી હતી. એનઆઇસીબી ડિપોઝિટર્સ ફાઉન્ડેશનના બેનર હેઠળ પોતાની માગણીઓ સાથેના પ્લેકાર્ડ-બેનરો લઇને દેખાવકારો બૅંકની માજિવાડા બ્રાન્ચ ખાતે સુધી પરેડ કાઢી હતી.

ગેરરીતિમાં અત્યાર સુધીમાં 8 જણની ધરપકડ

બૅંકને ઝડપથી બેઠી કરવા અને આરબીઆઇએ ૧૩મી ફેબ્રુઆરીથી જે પ્રતિબંધો લાદ્યા છે તેમાંથી ખાતાધારકોને રાહત આપવાની માગણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. ૧૨૨ કરોડ રૂપિયાના ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બૅંક કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધી આઠ જણની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: 122 કરોડનું કૌભાંડઃ ન્યૂ ઈન્ડિયા બેંકે પ્રીતિ ઝિંટાને આપી ‘રાહત’, ફરી અભિનેત્રીનું નામ ઉછળ્યું…

બૅંકના ભાવિ અંગે સ્પષ્ટતા નહીં હોવાથી ચિંતા

ડિપોઝિટરોનું પ્રતિનિધિમંડળ બૅંક મેનેજરને મળ્યું હતું તથા પોતાની માગણીઓ સાથેનું આવેદન પત્ર સોંપ્યું હતું જેમાં આરબીઆઇ દ્વારા નિમાયેલા સલાહકારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક છતાં બૅંકના ભાવિ અંગે અસ્પષ્ટતા હોવા પર ભાર આપવામાં આવ્યો હતો.

પાંચ લાખથી વધુ રૂપિયાની ડિપોઝિટ અંગે ચિંતા

ડિપોઝિટરોએ તેમની ડિપોઝિટ, ખાસ કરીને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી હેઠળ પાંચ લાખથી વધુ રૂપિયાની ડિપોઝિટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ચોક્કસ સમયમાં બૅંકને બેઠી કરવા અથવા તેના મર્જર વિશે નિર્ણય લેવાની માગણી કરી હતી. આ સિવાય પૈસા ઉપાડવાની મર્યાદા ૨૫,૦૦૦થી વધારીને દોઢ લાખ રૂપિયા કરવાની માગણી પણ કરાઇ હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button