રાજસ્થાન આજે હારે એટલે પ્લે-ઑફની રેસમાંથી આઉટ
જયપુરમાં ગુજરાત જીતીને ફરી નંબર-વન થઈ શકે, સાંજે 7.30 વાગ્યે મૅચનો આરંભ

જયપુર: 2008ની પ્રથમ આઈપીએલના ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ આ વખતે 18મી સીઝનમાં ફક્ત બે મૅચ જીતી છે, જયારે 2022ની વિજેતા ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ માત્ર બે મૅચ હારી છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) જયપુર (JAIPUR)માં વિરોધાભાસી સ્થિતિ ધરાવતી આ બે ટીમ વચ્ચે ટક્કર છે.
એક તરફ ગુજરાતને જીતીને ફરી એક વાર પોઈન્ટ્સ-ટેબલમાં મોખરે થવાનો મોકો છે ત્યારે રાજસ્થાન જો આજે 10માંથી આઠમી મૅચ હારનારી પહેલી ટીમ બનશે તો પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ જશે.
ઉલ્લેનીય છે કે 2024ની સીઝનમાં બેંગ્લૂરુની ટીમ છેલ્લે છેલ્લે સતત છ મૅચ જીતીને પ્લે-ઑફ માટે ક્વોલિફાઈ થઈ હતી.
કઈ ટીમ કેવી સ્થિતિમાં?
હાલમાં પોઈન્ટ્સ પ્રમાણે ટીમોની ક્રમવાર સ્થિતિ આ મુજબ છે: (1) બેંગ્લૂરુ-14 પોઇન્ટ (2) ગુજરાત-12 પોઇન્ટ (3) મુંબઈ-12 પોઇન્ટ (4) દિલ્હી-12 પોઇન્ટ (5) પંજાબ-11 પોઇન્ટ (6) લખનઊ-10 પોઇન્ટ (7) કોલકાતા-7 પોઇન્ટ (8) હૈદરાબાદ-6 પોઇન્ટ (9) રાજસ્થાન-4 પોઇન્ટ અને (10) ચેન્નઈ-4 પોઇન્ટ.
યશસ્વીને આજે મોટી સિદ્ધિ મેળવવાની તક:
છેલ્લી પાંચેય મૅચ હારનાર રાજસ્થાનનો મુખ્ય કેપ્ટન સંજુ સૅમસન હજી ઈજાગ્રસ્ત હોવાથી આજે પણ રમશે કે કેમ એ વિશે ટીમનો હેડ-કોચ રાહુલ દ્રવિડ અનિશ્ચિત હતો. રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર બૅટિંગમાં જોઈએ એટલું સારું નથી રમી શક્યા. યશસ્વી જયસ્વાલ પણ સતત સારું નથી રમી શક્યો. જોકે આજે તેને આપીએલના ઇતિહાસમાં 2,000 રન પૂરા કરવા માત્ર 37 રનની જરૂર છે. એટલા રન તેને સૌથી ઝડપે 2,000 રન કરનાર ઋતુરાજ ગાયકવાડ અને કેએલ રાહુલ પછીનો ત્રીજો ફાસ્ટેસ્ટ બૅટ્સમૅન બનવાની તક છે.
14 વર્ષના વૈભવ સૂર્યવંશી આઈપીએલ (IPL)ના ડેબ્યૂના પહેલાં જ બૉલ પર છગ્ગો ફટકારવાની સાથે (34 અને 16 રનની) બે ઇનિંગ્સમાં કુલ છવાઈ ગયો છે, પણ તેણે આજે ગુજરાતના બોલર્સ (રાશીદ ખાન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, વૉશિંગ્ટન સુંદર, સાઈ કિશોર, ઈશાન્ત શર્મા) સામે ટકી રહેવા ભારે સંઘર્ષ કરવો પડશે.
બીજી તરફ, ગુજરાત પાસે રાજસ્થાનનો જ ભૂતપૂર્વ બૅટ્સમૅન જૉસ બટલર છે, જયારે ઓપનર સાઈ સુદર્શન, કેપ્ટન શુભમન ગિલ, રુધરફર્ડ, તેવાટિયા, રાશીદ ખાન પણ રાજસ્થાનના બોલર્સને ભારે પડી શકે. જોકે રાજસ્થાનનો જોફ્રા આર્ચર પાંચ મુકાબલામાં ત્રણ વાર શુભમન ગિલની વિકેટ લઈ ચૂક્યો છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
રાજસ્થાન: રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, શુભમ દુબે, વનિન્દુ હસરંગા, સંદીપ શર્મા, જોફ્રા આર્ચર, ફઝલહક ફારુકી અને 12મો પ્લેયર: આકાશ મઢવાલ.
ગુજરાત: શુભમન ગિલ (કેપ્ટન), જૉસ બટલર, સાઈ સુંદર્શન, શેરફેન રુધરફર્ડ, એમ. શાહરુખ ખાન, રાહુલ તેવાટિયા, રાશીદ ખાન, વૉશિંગ્ટન સુંદર, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને 12મો પ્લેયર: ઈશાન્ત શર્મા.