અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વૉરનો તણાવ ઓછો થતાં સોનામાં પીછેહઠ…
વૈશ્વિક નરમાઈ અને રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. ૨૧૧ની અને ચાંદીમાં રૂ. ૧૬૭૧ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વોરનો તણાવ ઓછો થવાની સાથે આજે વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૦.૮ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૩૮ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૦થી ૨૧૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૭૧નો ઘટાડો આવ્યો હતો.
ઇન્ડિયા બુલિયન ઍન્ડ જવેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જવેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૬૭૧ ઘટીને રૂ. ૯૬,૦૧૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૦ ઘટીને રૂ. ૯૫,૦૩૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૧૧ ઘટીને રૂ. ૯૫,૪૨૦ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જવેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે ચીને અમેરિકાથી આયાત થતાં અમુક ઉત્પાદનોને ટેરિફમાંથી મુક્તિ આપી હોવાના નિર્દેશો સાથે રોકાણકારોની સલામતી માટેની માગમાં ઘટાડો થવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૩૨૯૨.૧૧ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૧ ટકા વધીને ઓસદીઠ ૩૩૦૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૩૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હાલના તબક્કે રેસિપ્રોકલ ટેરિફ વૉરનું ચિત્ર જે એપ્રિલના આરંભમાં હતું તેની સરખામણીમાં ઓછું ઉગ્ર જણાઈ રહ્યું હોવાથી સોનામાં સલામતી માટેની માગ ઓછી થઈ હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. ખાસ કરીને ગત સપ્તાહે ચીન સાથે વપાર વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાનું વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવતાં સોનામાં સલામતી માટેની માગ ઓસરી હતી. વધુમાં ગત સપ્તાહે ટ્રમ્પના વહીવટીતંત્રએ વિશ્વનાં બે મોટા અર્થતંત્રો ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર તણાવ હળવો થઈ રહ્યો હોવાના સંકેત આપ્યા હતા.
ગત શુક્રવારે ચીને અમેરિકાથી થતી ઊંચા ટેરિફવાળી અમુક ચીજોને મુક્તિ આપી હોવાના નિર્દેશ આપ્યા હતા, પરંતુ ચીન સાથે વાટાઘાટો થઈ રહી છે એવાં ટ્રમ્પના દાવાને સમર્થન નહોંતું આપ્યું. તેમ જ ગઈકાલે અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે પણ ટ્રમ્પના દાવાને સમર્થન નહોંતું આપ્યું. દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બૅન્કની વસંત ઋતુની બેઠકમાં ઘણાં સહભાગીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પનું વહીવટીતંત્ર હજુ પણ ઊંચા ટૅરિફ ધરાવતા વેપારી ભાગીદાર દેશો તરફથી થતી માગણીઓમાં વિરોધાભાસી જણાય છે. જોકે, હવે રોકાણકારોની નજર આવતી કાલે જાહેર થનારા અમેરિકાના જોબ ઓપનિંગ ડેટા, બુધવારે જાહેર થનારા પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડેટા અને શુક્રવારે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે.