ત્રીજા મુંબઇ માટે અલાયદા રેલવે કોરિડોરનું કરાશે નિર્માણ

મુંબઈઃ રાજ્ય સરકાર અને રેલવે સાથે મળીને આગામી નવી મુંબઈ એરપોર્ટ અને અટલ સેતુને અડીને આવેલા ૩૨૩ ચોરસ કિલોમીટરના વિસ્તાર ‘થર્ડ મુંબઈ’માં વિકાસને વેગ આપી શકે એવી રેલવે વ્યવસ્થા નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે.
મુંબઈ રેલ વિકાસ નિગમ (એમઆરવીસી) મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી)ના ચોથા તબક્કા હેઠળ આ રેલ કોરિડોરનું નિર્માણ ક૨શે, જેનો હેતુ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં પરિવહન માળખાગત સુવિધામાં સુધારો કરવાનો છે એમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: Good News: મધ્ય રેલવેમાં નવો કોરિડોર બનાવવાની યોજના, ફિલ્ડ સર્વે હાથ ધરાયો…
આ પ્રોજેક્ટ હજી પ્રારંભિક તબક્કામાં છે અને ટૂંક સમયમાં એક સલાહકારની નિમણૂક થશે જે એક વ્યાપક યોજના તૈયાર કરી ‘ત્રીજા મુંબઈ’ના વિકાસ માટે નવા રેલ કોરિડોરની દરખાસ્ત કરશે. એનું સત્તાવાર નામ કર્નાલા-સાઇ-ચિરનર (કેએસસી) न्यू ટાઉન રાખવામાં આવ્યું છે.
નવી મુંબઈમાં મેટ્રો રેલ નેટવર્કનું નિર્માણ કરી રહેલી સિડકો (સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) સાથે વાત કર્યા પછી આ યોજના તૈયાર કરવામાં આવશે. એમયુટીપી-૪ કેએસસી ન્યૂ ટાઉન, મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો કરી હાલના લોકલ ટ્રેન રૂટને ઝડપથી વિકસી રહેલા વિસ્તારમાં કાર્યરત કરવાને પ્રાધાન્ય આપશે એમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.