ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને પાંચ ટકાની સપાટીએ પહોંચવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પડેલા ગાબડાને કારણે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસાના ઘટાડા સાથે ૮૩.૧૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટયા હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૧૨ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૧૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૧૯ અને ઉપરમાં ૮૩.૦૯ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે છ પૈસા ઘટીને ૮૩.૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો.
મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે આજે અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ વધીને પાંચ ટકાની સપાટીએ પહોંચતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર સામે ઉભરતી બજારનાં રૂપિયા સહિતના ચલણો દબાણ હેઠળ આવ્યા હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૨૫.૭૪ પૉઈન્ટનો અને ૨૬૦.૯૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ જવાથી તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો, પરંતુ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાંકડી વધઘટે અથડાઈને ૧૦૬.૨૧ આસપાસની સપાટીએ ટકેલો રહ્યો હોવાથી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૨૩ ટકા ઘટીને ગઈકાલના બંધ સામે બેરલદીઠ ૯૧.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.