આપણું ગુજરાત

ગુજરાતમાં અટલ ભૂજલ યોજનાના સારા પરિણામો , 36 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર 4 મીટર સુધી ઊંચા આવ્યા

ગાંધીનગર : ગુજરાત સહિત વિવિધ 7 રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને નીચે જતું અટકાવવા અટલ ભૂજલ યોજના 25 ડિસેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 6 જિલ્લાઓના 36 તાલુકામાં કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં 04 મીટર સુધી અને તેના કરતાં વધુ ઊંચા લાવવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે. આ માહિતી જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ આપી હતી.

મંત્રીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, અટલ ભુજલ વિસ્તારમાં પાણીની માંગ ઘટાડવા અને પૂરવઠો વધારવા માટે હાથ ધરાયેલ પ્રયાસોથી ભૂગર્ભ જળ લેવલમાં થતા ફેરફારના અભ્યાસની સાથે ભૂગર્ભ જળ લેવલ અને ગુણવત્તાના મોનિટરિંગ માટે પસંદ કરાયેલા 06 જિલ્લાઓના અટલ ભૂજલ યોજના વિસ્તારના 3060 સ્ટેશન પર નિયત સમયાંતરે મોનિટરિંગ હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો

જે પૈકી અટલ ભૂજલ યોજના ડીસબર્સમેંટ લીક ઈંડીકેટર-૫ની માર્ગદર્શિકા મુજબ ભૂગર્ભ જળ લેવલ નીચા જવાના દરના મૂલ્યાંક્ન માટે ન્યુનતમ ડેટા રીક્વાયરમેંટના માપદંડ મુજબ વિશ્લેષણ પાત્ર થતા 441 સ્ટેશનના ભૂગર્ભ જળ મોનીટરીંગના આંકડાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.

પોસ્ટ મોનસુનના વોટર લેવલ ઊંચા આવ્યા

જેમાં, અટલ ભૂજલ વિસ્તારમાં વિશ્લેષણ પાત્ર થતા 441 મોનિટરિંગ સ્ટેશન 310 ગ્રામ પંચાયતમાં આવેલા છે. જે પૈકી 28 તાલુકાની 1511 ગ્રામ પંચાયતોમાંથી 130 ગ્રામ પંચાયતના 195 સ્ટેશનમાં વર્ષ 2015 થી 2023ના પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના સરેરાસ વોટર લેવલ સામે વર્ષ 2024માં પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના વોટર લેવલ ઊંચા આવ્યા છે. આ 195 મોનિટરિંગ સ્ટેશન પૈકી પ્રી-મોનસુનમાં 60 સ્ટેશનમાં 4 મીટર કરતાં વધારો, 54 સ્ટેશનમાં 2 થી 4 મીટર સુધી અને 79 સ્ટેશનમાં 2 મીટર સુધી જળ સ્તર ઊંચા આવ્યા છે. જ્યારે પોસ્ટ મોનસુનમાં 73 સ્ટેશનમાં 4 મીટર કરતાં વધારે, 49 સ્ટેશનમાં 2 થી 4 મીટર સુધી તેમજ 71 સ્ટેશનમાં 2 મીટર સુધી જળ સ્તર ઊંચા આવ્યા છે.

36 તાલુકાઓની 1873 ગ્રામ પંચાયતમાં યોજના અમલી

મંત્રીએ કહ્યું હતું કે, આ યોજનાનો સમયગાળો પાંચ વર્ષ એટલે કે વર્ષ 2020 -21 થી 2024 -25 નો નક્કી કરાયો હતો. જેને વધુ એક વર્ષ 2025-26 સુધી લંબાવાયો છે. એપ્રિલ-2020 થી ભૂગર્ભજળમાં વધારો કરવાના મંત્ર સાથે પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા એમ ૬ જિલ્લાના 36 તાલુકાઓની 1873 ગ્રામ પંચાયતમાં આ યોજના અમલી બનાવી છે.

195 સ્ટેશન, 130 ગ્રામ પંચાયત અને 12 તાલુકાનો સમાવેશ

ડીસબર્સમેંટ લીક ઈંડીકેટર-5 ની માર્ગદર્શિકા મુજબ જે તાલુકાના કુલ મોનિટરીંગ સ્ટેશન પૈકી 50 ટકા કે તેથી વધુ સ્ટેશનો 2015 થી 2023ના પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના સરેરાશ વોટર લેવલ સામે વર્ષ 2024 માં પ્રી-મોનસુન અને પોસ્ટ મોનસુનના વોટર લેવલમાં વધારો દર્શાવે તે તાલુકા ક્વોલીફાય ગણાય છે. આ અંતર્ગત 195 સ્ટેશન, 130 ગ્રામ પંચાયત અને 12 તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં દહેગામ, માંડવી, બહેચરાજી, જોટાણા, મહેસાણા, સતલાસણા,વડનગર, વિજાપુર, પાટણ, ઈડર,પ્રાંતિજ અને વડાલી તાલુકાનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button