વેપાર

કોપરના ઉત્પાદન, ડ્રમ અને ટીનનાં ક્ધટેનર માટે સરકારે ગુણવત્તાના ધોરણો જાહેર કર્યા

નવી દિલ્હી: હલકી ગુણવત્તાના ઉત્પાદનોની આયાત અટકાવવા તેમ જ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે આજે કોપરનાં ઉત્પાદનો, ડ્રમ અને ટીનનાં ક્ધટેનરો માટેની ગુણવત્તાના ધોરણો જાહેર કર્યા હોવાનું એક અધિકૃત યાદીમાં જણાવ્યું છે.

આજે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી ઍન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી)એ ગત ૨૦મી ઑક્ટોબરે ડ્રમ્સ ઍન્ડ ટીન (ક્વૉલિટી ક્ધટ્રોલ) ઓર્ડ ૨૦૨૩ અને કોપર પ્રોડક્ટસ (ક્વૉલિટી ક્ધટ્રોલ) ઓર્ડર, એમ બે અલગ અલગ નોટિફિકેશન જાહેર કર્યા હતા. આ બે ઓર્ડર અંતર્ગત આવતી ચીજોનું ઉત્પાદન, વેચાણ, વેપાર, આયાત અને તેનો સ્ટોક બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બિસ) માર્ક સિવાય નહીં થઈ શકે. તેમ જ આ ઓર્ડરનો અમલ નોટિફિકેશન જાહેર કર્યાનાં દિવસથી છ મહિનાથી થશે, એમ ડીપીઆઈઆઈટીએ જણાવ્યું હતું. કોપર અને તેનાં ઍલૉયનો ઉપયોગ પાવર જનરેશન, પાવર ટ્રાન્સમિશન, ટેલિકોમ્યુનિકેશન્સ, ઈલેક્ટ્રિકલ સર્કિટ અને ઘણાં એપ્લાયન્સીસમાં થતો હોવાથી કોપરનાં ઉત્પાદનો ઉત્તમ ગુણવત્તાના હોવા જોઈએ અને કોઈપણ સંજોગોમાં તેની ગુણવત્તા સાથે બાંધછોડ ન થવી જોઈએ.

આ ઓર્ડર અંતર્ગત કોપરના નવ ઉત્પાદનો આવરી લેવામાં આવ્યા છે અને જેમાં ઈલેક્ટ્રિકલ એપ્લિકેશન માટેનાં વાયર રોડ્સ, ક્ધડેન્સર અને હીટ એક્સ્ચેન્જર માટેના સોલિડ ડ્રોન કોપર અને કોપર ટ્યુબ અને રેફ્રિજરેશન અને એરકંડિશનિંગ માટેની રૉટ કૉપર ટ્યુબનો સમાવેશ થાય છે. એકંદરે સ્થાનિક સ્મોલ/માઈક્રો ઉદ્યોગની સલામતી, ક્વૉલિટી ક્ધટ્રોલ ઓર્ડરના સરળતાપૂર્વકનાં અમલીકરણ અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસને ધ્યાનમાં લેતા સ્મોલ/માઈક્રો ઉદ્યોગને સમયમર્યાદા આપવામાં આવી છે, જેમાં સ્મોલ ઉદ્યોગને ત્રણ મહિનાનો અને માઈક્રો ઉદ્યોગને છ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હોવાનું ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે. તે જ પ્રમાણે ડ્રમ અને ટીનનો મુખ્યત્વે ટોક્સિક, જ્વલનશીલ પદાર્થો અને સ્વાસ્થ્યને નુકસાનકર્તા ઘટકોનાં સ્ટોર અને પરિવહન માટે ઉપયોગ થતો હોય છે. આ સંદર્ભે ડીપીઆઈઆઈટી બિસ અને ઉદ્યોગના હિસ્સેધારકો સાથે સલાહમસલત કરી રહ્યું છે જેથી ક્વૉલિટી ક્ધટ્રોલ ઓર્ડર (ક્યુસીઓ) નોટિફાઈ થાય. આ સાથે ૩૧૮ ઉત્પાદનોના સ્ટાન્ડર્ડને આવરતા ૬૦ નવાં ક્યુસીઓ થશે, એમ ડીપીઆઈઆઈટીએ યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે બિસ ધારાના પહેલી વખતના ઉલ્લંઘન બદલ બે વર્ષ સુધીના કારાવાસ અથવા રૂ. બે લાખ સુધીનાં દંડની જોગવાઈ છે, જ્યારે બીજી વખતનાં ઉલ્લંઘન બદલ દંડની રકમ ઓછામાં ઓછી રૂ. પાંચ લાખ અથવા તો ઉત્પાદનનાં મૂલ્યની દસ ગણી રકમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button