પહેલગામ હુમલા અંગે આ ગાયિકાએ દેશ વિરોધી પોસ્ટ કરી? ગંભીર આરોપો સાથે FIR દાખલ

લખનઉ: પહેલગામ આતંકવાદી હુમલો અને ત્યાર બાદનો ઘટનાક્રમ હાલ દેશભરમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો (Pahalgam Terrorist Attack) છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિવાદ ઉભો થયો છે. એવામાં સોશિયલ મીડિયા પર પહેલગામ આતંકવાદી હુમલા અંગે વાંધાજનક ટિપ્પણીઓ પોસ્ટ બદલ ગાયિકા નેહા સિંહ રાઠોડ સામે ‘રાજદ્રોહ’નો કેસ નોંધવામાં (FIR against Neha Singh Rathore)આવ્યો છે.
અહેવાલ મુજબ અભય પ્રતાપ સિંહ નામના વ્યક્તિએ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નેહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નેહા પર પહેલગામ હુમલાને પગલે એક ચોક્કસ ધાર્મિક સમુદાયને લક્ષ્ય બનાવી ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા દેશની એકતાને નુકસાન પહોંચાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો, ફરિયાદને આધારે પોલીસે લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
નેહાએ શું કહ્યું હતું?
નેહા સિંહ રાઠોડે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને સરકારની ભૂલ ગણાવી છે. તેમણે સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું કે આ ઘટનાનો બિહાર ચૂંટણીમાં રાજકીય ઉપયોગ કરવામાં આવશે. તેની આ પોસ્ટની પાકિસ્તાનના લોકો, તેના નેતાઓ અને સરકારી એજન્સીઓ શેર કરી રહ્યા છે, અને ભારત સરકાર પર આરોપ લગાવી રહ્યા છે.
નેહા પર લાગ્યા ગંભીર આરોપ:
ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ લોક ગાયિકા નેહા વિરુદ્ધ ઘણા આરોપો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ, જાહેર શાંતિ ખલેલ પહોંચાડવા અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાને લગતી કલમોનો સમાવેશ થાય છે, પોલીસે જણાવ્યું હતું કે નેહા પર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
FIRમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેહા સિંહની પોસ્ટ પાકિસ્તાનમાં વાયરલ થઈ રહી છે, અને ત્યાંના મીડિયામાં તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જ્યાં તેના નિવેદનોનો ઉપયોગ ભારત વિરુદ્ધ થઈ રહ્યો છે.
BNSમાં ‘રાજદ્રોહ’ સમાન કલમ:
નોંધનીય છે કે BNSમાં સ્પષ્ટપણે રાજદ્રોહનો ઉલ્લેખ નથી. અગાઉ ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમ 124A માં રાજદ્રોહનો ઉલ્લેખ હતો, હવે નવા ફોજદારી સંહિતા BNSની કલમ 152 હેઠળ દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાના આરોપો હેઠળ અગાઉના ‘રાજદ્રોહ’ના આરોપ જેવી જ કાર્યવાહી કરવામાં આવે છે.
આપણ વાંચો…પહેલગામ હુમલા બાદ બોલિવુડ સંગીતકારોએ પોતાના કોન્સર્ટ રદ કર્યા, પોતપોતાના અંદાજમાં વિરોધ નોંધાવ્યો