ભજનનો પ્રસાદ: પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ

-ડૉ. બળવંત જાની
‘પ્રેમસખી’ અને ‘પ્રેમાનંદ’ જેવા બે નામથી જેમને ભગવાન સ્વામિનારાયણે ભારે ભાવથી અલંકૃત કર્યા છે. સતત સતત સંનિકટ રાખીને જેમની સેવા લીધી અને સહવાસી બનાવ્યા. એમનો નિત્ય ક્રિયાધર્મ શ્રીહરિ જાગૃત થાય અને નિદ્રાધીન થાય ત્યાં સુધી એમની સેવામાં જ લીન રહેવાનો હતો. શ્રીહરિના અંગાંગનું આટલું અને આવું પ્રત્યક્ષ દર્શન સંપ્રદાયના કોઈ અન્ય સંતે કર્યું નથી. પોંડિચેરીમાં મહર્ષિ અરવિંદના ખરા-પૂરા સહવાસી પચીસવર્ષ સુધી ચંપકલાલ હતા. એમણે ‘ચંપકલાલ સ્પીક્સ’ નામનું પુસ્તક લખ્યું છે અને એ રીતે બીજા એક પ્રેમાનંદ સ્વામી જેમણે પંદર વર્ષ સુધી શ્રીહરિને સેવ્યા, સમર્પિત રહીને એ જ રીતે ભાવની નીજઅનુભૂતિને પદરાશિમાં પ્રગટાવી એને હું ‘પ્રેમાનંદ સ્પિક્સ’ ગણું છું. માનવ અવતાર ધારણ કરીને આ ભૂમિ પર અવતરેલા દિવ્યમૂર્તિની સેવાશુશ્રૂષા પ્રત્યક્ષ રીતે કરવાનું પરમ સદ્ભાગ્ય જેમને પ્રાપ્ત થયું એ એકમાત્ર પ્રેમાનંદસ્વામી. સેવા-શુશ્રૂષા, વિચરણ સહવાસ, ગાયન-વાદન અને નર્તનમાં પ્રાવિણ્ય તથા એ ઉપરાંત હિન્દી, ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન કરવાનું કૌશલ્ય, શ્રીહરિની કૃપાનું જ સુફળ. સ્વયં શ્રીહરિએ ભરી સભામાં અનેક વખત સ્વહસ્તે પોતે ધારણ કરેલા પ્રસાદીરૂપ વસ્ત્ર પરિધાનથી એમને સન્માનિત કરવા કે પુરસ્કૃત કરવા ભારે સ્નેહાદર ભાવથી પ્રેરાયા હોય, એમના પદસર્જન લીલા ગાનના શ્રવણથી પ્રભાવિત થઈને આવા સંતને દંડવત પ્રણામ કરવાનું શ્રીહરિએ સૂચવ્યું હોય એવા શ્રીહરિના કૃપાપાત્ર સંત ભક્તકવિ પ્રેમાનંદસ્વામીના જીવન વિશે વિવિધ પ્રકારની વિગતો પ્રચલિત છે. જુદા જુદા આઠેક જેટલા સંતો, અભ્યાસીઓ અને સત્સંગીઓએ નોંધેલી-આલેખેલી એ વિગતોને ટૂંકમાં નિર્દેશવાનો તથા આજ લગીનું પ્રેમસખીની પદરાશિ સાથે વિવિધ રીતનું મારું જોડાણ, મારી ધારણાઓ, એમની વિપુલ પદરાશિને વિવિધ પ્રકારે મેં વિષયાનુસાર તારવીને નામકરણ કરેલી એ તમામ સાહિત્યકૃતિઓનો પરિચય તથા એમના પદોનું વૈશિષ્ટ્ય આલેખવાનો ઉપક્રમ આ અભ્યાસલેખમાં જાળવ્યો છે.
॥1॥
પ્રેમાનંદ સ્વામી : જીવનચરિત્ર અને પ્રસંગશૃંખલા
પહેલા તો પ્રેમાનંદ સ્વામીની જીવનચરિત્રાત્મક વિગતો જુદા જુદા અભ્યાસીઓએ અલગ-અલગ રીતે દર્શાવેલ છે, એ બધી વિગતોના સંક્ષિપ્ત સારાંશને એક સાથે સમાવિષ્ટ કરવાનું મને ઉચિત જણાયું હોઈને અહીં પહેલાં તે દર્શાવવાનો પરિચય કરાવવાનો ઉપક્રમ જાળવ્યો છે.
મારી દૃષ્ટિએ ઈ.સ. 1961માં પ્રકાશિત ‘સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ’ નામના ગ્રંથમાં સંપ્રદાયના અભ્યાસી શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ દ્વારા મળતી પ્રેમસખીની ચરિત્રાત્મક વિગતો ઘણી શ્રદ્ધેય જણાઈ છે. એમણે સંપ્રદાયમાં કંઠોપકંઠ જળવાયેલી વિગતોને વણી લઈને ઘણી ચરિત્રાત્મક વિગતો નોંધી છે, પરંતુ એ પૂર્વે મૂળભૂત રીતે તો સત્સંગી એવા અભ્યાસી શ્રી ઈચ્છારામ દેસાઈએ પ્રેમાનંદની પદરાશિનું પ્રકાશન હાથ ધરેલું પણ એમનું અક્ષરધામગમન થવાથી સંપ્રદાયના સંનિષ્ઠ અભ્યાસી સુપુત્ર ઈશ્ર્વરલાલભાઈએ પ્રકાશન હાથ ધરેલું ‘પ્રેમાનંદ કાવ્ય ભાગ-1’ (ઈ.સ. 1919)માં અને બીજો ભાગ (ઈ.સ. 1931) પ્રકાશિત થયેલ. એની બીજી આવૃત્તિ ઈ.સ. 1993માં પ્રકાશિત થયેલી તેમાં પણ ભુજ મંદિરના મહંત પુરાણી હરિસ્વરૂપદાસજીએ પ્રેમસખી પ્રેમાનંદ વિશે ચરિત્રાત્મક વિગતો મૂકી છે. દલપતરામે દર્શાવેલ વિગતો પણ મહત્ત્વની છે. કનૈયાલાલ મુનશીએ ઈ.સ. 1926માં સંપાદિત ‘મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ’ નામનો ગ્રંથ પ્રકાશિત કરેલો તેમાં ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’ શીર્ષકથી ઈશ્ર્વરલાલ ઇચ્છારામ મશરુવાળાનો ખૂબ જ વિગતે અભ્યાસ લેખ પ્રકાશિત છે. આ ઉપરાંત બીજા ત્રણ પ્રકાશનો પણ મહત્ત્વના છે. એમાં મારી દૃષ્ટિએ જ્ઞાનબાગ વડતાલના પાર્ષદ કાનજી ભગત કૃત ‘પ્રેમાનંદસ્વામી’ ( ઈ.સ. 1980) ‘પ્રેમપદાવલિ’ના કર્તા પ્રભુશાસ્ત્રી (ઈ.સ. 1979) અને ‘પ્રેમમૂર્તિ પ્રેમાનંદસ્વામિના ગ્રંથો’, (ઈ.સ. 2010) સંપાદક કુંડળધામના વિદ્વાન સ્વામી જ્ઞાનજીવનદાસજીએ પ્રેમાનંદ સ્વામીના જીવનચરિત્રની ઘણી અદ્યતન વિગતો મળી, એ બધી જ અહીં આવરી લીધી છે.
હરિપ્રસાદ ઠક્કરનો ‘પ્રેમસખી પ્રેમાનંદ’ નામથી ઈ.સ. 1967માં પીએચ.ડી. પદવી પ્રાપ્તિનો મહાનિબંધ ઈ.સ. 1971માં પ્રકાશિત થયેલો છે. આ શોધનિબંધમાં એમણે એમને પ્રાપ્ત થયેલી વિગતોને આધારે પ્રેમસખી પ્રેમાનંદના જીવનની ચરિત્રાત્મક વિગતોનો અભ્યાસ કરીને તારણો પ્રસ્તુત કર્યા છે. ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં મહેન્દ્ર પંડ્યાએ ખૂબ જ સંક્ષિપ્તમાં માત્ર છ-સાત કવિઓની થોડી વિગતો પ્રસ્તુત કરી છે. અનંતરાય રાવળે ઈ.સ. 1978માં પ્રેમસખી પ્રેમાનંદની કવિતાનું એક સંકલન ‘પ્રેમસખી પદાવલિ’ નામથી કરીને એમાં પ્રેમાનંદની જીવનવિષયક એમને પ્રાપ્ત વિગતો આલેખીને એમની કાવ્યકલાશક્તિનો આસ્વાદ કરાવેલ છે.
પ્રેમાનંદ સ્વામીના પ્રારંભકાળના અભ્યાસી તરીકે સંપાદક ઇચ્છારામ ઈશ્ર્વરલાલને ગણવાના રહે, ઈ.સ. 1919માં તેમણે જૂની હસ્તપ્રતો, સંપ્રદાયનાં મંદિરોમાં સચવાયેલા-ગવાતા પદોને એકત્ર કરીને ‘પ્રેમાનંદ કાવ્ય ભાગ-1’ (1919), (ભાગ-2 1931) પ્રકાશિત કરેલા. ભાગ-1/2માં એમણે પ્રેમાનંદ સ્વામીના જીવન વિષયક વિગતો મૂકેલી એવો સંદર્ભ હરિપ્રસાદ ઠક્કરે એમના મહાનિબંધ ‘પ્રેમસખી પ્રેમાનંદ’ (1967), (1971)માં ટાંકેલ છે.
આ ગ્રંથની ઈ.સ. 1993ની બીજી આવૃત્તિમાં ‘પ્રેમાનંદ સ્વામીનું જીવન વૃત્તાંત’ શીર્ષકથી મહંત પુરાણી સ્વામી હરિસ્વરૂપદાસજીનો આલેખ અવલોકવા મળે છે. મને પ્રથમ આવૃત્તિ અવલોકવા મળી નથી. અને બીજી આવૃત્તિમાં તે સમયે ઈશ્ર્વરલાલ દેસાઈ એમ નામછાપ છે. પાછળથી એમની નામછાપમાં દેસાઈને સ્થાને મશરુવાળા અટક રૂપે અવલોકવા મળે છે. મેં અહીં એ બન્ને લેખોને ચરિત્રાત્મક વિગત આલેખન માટે ખપમાં લીધા છે.
કનૈયાલાલ મુનશી સંપાદિત ‘ગુજરાતી સાહિત્ય ખંડ-5’ ‘મધ્યકાળનો સાહિત્ય પ્રવાહ’ (1926)માં વિભાગ આઠમાં ‘સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુજરાતી સાહિત્ય’માં પૃષ્ઠાંક 207 થી 262ના સુદીર્ઘ આઠ પ્રકરણમાંનો એમનો અભ્યાસ ઈશ્ર્વરદાસ ઈચ્છારામ મશરુવાળા એવી નામછાપ સાથે મળે છે.
આપણ વાંચો: માનસ મંથન- પરમાત્મા સર્વત્ર સમાનરૂપે વ્યાપ્ત છે, એને પ્રગટ કરવાની એક માત્ર વિદ્યા છે-પ્રેમ
આમ સ્વામિનારાયણ સંપ્રદાય અને સાહિત્યના પ્રારંભકાળના ખરા અભ્યાસી ઈશ્ર્વરદાસ ઈચ્છારામ મશરુવાળાને જ ગણવાના રહે. મેં પ્રેમાનંદ સ્વામીના ચરિત્રલેખનમાં એમના દ્વારા દર્શાવાયેલી વિગતોનો પણ સમાવેશ ર્ક્યો છે.
(ક્રમશ:)