ધર્મતેજ

મનન- ત્રણ રત્નો: પાણી-અન્ન ને સારી વાણી

-હેમંત વાળા

જેને રત્ન માનવામાં આવે છે તે તો પથ્થરના ટુકડા છે. બજારમાં તેની કિંમત હોઈ શકે. તેના બદલામાં સુખ-સાહ્યબી મળે તેવાં ઉપકરણો વસાવી શકાય, એ રત્નથી જીવનમાં જરૂરિયાત કરતાં વધારે ઇચ્છિત બાબતો એકત્રિત પણ કરી શકાય, પણ વાસ્તવમાં આ પથ્થરના ટુકડા રત્ન નથી. સૃષ્ટિમાં પાણી, અન્ન અને સારી વાણી, આ ત્રણ જ રત્નો છે. તેની કિંમત સમજવી જોઈએ, તેનો સદુપયોગ થવો જોઈએ અને તેનું રક્ષણ થવું જોઈએ. પ્રખર વ્યવહારુ જ્ઞાની ચાણક્ય દ્વારા કહેવાયેલી આ વાત છે.

આમ તો શરૂઆત ‘હવા’થી થવી જોઈએ. હવા વગર અસ્તિત્વ 5-6 મિનિટ સુધી જ ટકી રહે. પાણી વગર 4-5 દિવસ, તો અન્ન વગર 6-7 અઠવાડિયાં સુધી જીવન ટકી રહે. તપસ્વી લોકોની વાત જુદી છે. તેમનું અસ્તિત્વ તો જુદા જ સ્તરે હોય છે. તેથી જોવા જઈએ તો હવા એ સૌથી કીમતી રત્ન છે, પછી પાણી અને પછી અન્નની વાત થાય. અહીં હવાનો સમાવેશ નથી થયો. કારણ એ હોઈ શકે કે, વ્યક્તિની ઇચ્છા ન હોય તોપણ ઈશ્વર તો હવાનું ‘પ્રદાન’ કરે જ. હવા સર્વત્ર છે, સર્વમાન્ય છે. હવા શાશ્વત છે, હકીકત છે. એની માટે કોઈ પણ પ્રકારના પ્રયત્નોની જરૂર નથી. રત્નની પ્રાપ્તિ માટે પ્રયત્નનું મહત્ત્વ હોવું જોઈએ.

પાણી માટે થોડો ઘણો, વિવિધ પ્રકારનો પ્રયત્ન તો કરવો પડે, તેથી પાણી રત્ન છે. પ્રાચીન સમયમાં નદીકિનારેથી પાણી લાવવું પડતું અને આજે તે માટે પાણી પુરવઠાની વ્યવસ્થાનું સર્જન કરવું પડે છે. મહેનત તો બંનેમાં છે. પાણીની જરૂરિયાત પણ સ્વાભાવિક છે. પાણીનું મહત્ત્વ પણ વ્યવસ્થિત રીતે સ્થાપિત થયેલું છે અને બધા દ્વારા સ્વીકારાયેલું પણ છે. પાણી જીવનના પર્યાય સમાન છે. પાણી જીવન હોવાની સાબિતી છે. શરીરમાં 80 પ્રતિશત જેટલું પાણી હોય છે, તે વાત જ પાણીનું મહત્ત્વ સ્થાપિત કરવા પૂરતી છે. પાણી રત્ન છે – રત્ન સમાન છે.

પૃથ્વીને અનેક રત્નોની જનની કહેવાય છે. પૃથ્વી પથ્થર સમાન રત્ન પણ આપે છે અને અન્ન પણ આપે છે. પૃથ્વીમાંથી ચમકતો હીરો પણ મળે અને રોજિંદા ખોરાકમાં વપરાતું ધાન પણ મળે. આમ તો આ બંનેને રત્ન તરીકે કહી શકાય, પરંતુ બંનેની ભૂમિકા ભિન્ન ભિન્ન છે. જ્યાં સુધી જીવનને લાગેવળગે છે ત્યાં સુધી અન્ન ખૂબ જરૂરી છે. એક ઉપનિષદમાં તો ‘બ્રહ્મ’ શું છે તેનું નિરૂપણ કરવાની પ્રક્રિયાની શરૂઆત ‘અન્ન’થી થાય છે. શરૂઆતના તબક્કામાં અહીં કહેવામાં આવે છે કે અન્ન બ્રહ્મ છે, કારણ કે અન્ન થકી જ જીવનસર્જનનાં તત્ત્વો અસ્તિત્વમાં આવે છે, જીવનનું સર્જન થાય છે, જીવનનું પોષણ થાય છે અને જીવન કાર્યરત રહે છે. તેથી અન્ન બ્રહ્મ છે. જોકે આગળ જતાં આ સમગ્ર ચર્ચા યોગ્ય દિશા ધારણ કરી લે છે, પરંતુ તેનાથી અન્નનું મહત્ત્વ ઓછું નથી થતું.

અન્ન પણ રત્ન છે. અન્ન થકી જીવન ટકી રહે છે. અન્નમાં રહેલા વિવિધ પ્રકારના રસથી શરીરને તંદુરસ્તી તથા શક્તિ મળી રહે છે. અન્ન થકી જ જાત-જાતના રસ ઉત્પન્ન કરી માનવીએ ખોરાકમાં રસિકતા સ્થાપિત કરી છે. અન્ન ખોરાક પણ છે અને દવા પણ. અન્ન જરૂરિયાત પણ છે અને મોજશોખનો વિષય પણ. અન્ન મૂળ સ્થિતિમાં પણ હોય અને ચોક્કસ પ્રક્રિયાને આધારે નિર્ધારિત થયેલ સ્વરૂપમાં પણ. સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે અન્ન યોગ્ય પણ હોય અયોગ્ય પણ, પણ એ તો વ્યક્તિગત બાબત થઈ ગઈ. મૂળભૂત રીતે અન્ન જીવનપોષક તત્ત્વ છે અને તેથી તે રત્ન છે.

‘સારી વાણી’ની ગણના ભારતમાં રત્ન તરીકે થાય છે. કહેવાય છે કે હંમેશાં સારી વાણી બોલવી. કોયલ અને કાગડાનું ઉદાહરણ આપીને આ વાત દૃષ્ટાંતકથામાં વારંવાર કહેવામાં આવે છે. સામાજિક સુસંવાદિતતા માટે, પરસ્પરના વ્યવહારમાં દ્વેષ કે ઉદ્વેગ ઉત્પન્ન ન થાય તે માટે, જીવન સરળતાથી પસાર થાય તે માટે અને પરિસ્થિતિમાં વૈમનસ્ય ઊભું ન થાય તે માટે સારી વાણી જરૂરી છે. સત્યનું પોતાનું મહત્ત્વ છે, પણ સાથે સાથે સારી રીતે કહેવાયેલા સત્યનું વધુ મહત્ત્વ છે. સાચું બોલવું જોઈએ, પણ કથન કોઈને કડવું ન લાગવું જોઈએ. સત્યની સ્થાપના જરૂરી છે, પણ એ રીતે નહીં કે જેનાથી સામાજિક એકરસતા જોખમાય. સત્ય પણ જરૂરી છે અને સમરસતાવાળો સમાજ પણ. તેથી જ સારી વાણીને અહીં મહત્ત્વ અપાયું છે. કડવાં વેણ ઉચ્ચારવાની અહીં કોઈને છૂટ નથી. સમાજમાં અસ્વીકૃત બને તેવી વાણી બોલવાની સનાતન સંસ્કૃતિમાં છૂટ નથી. એનો અર્થ એ નહીં કે અસત્ય બોલવું, એનો અર્થ એવો જ કે અસત્ય કરતાં સત્યથી વધુ તકલીફો ઊભી થવાની સંભાવના હોય તો મૌન ધારણ કરવું.

સાંપ્રત સમયમાં અન્ય રત્નોની વાત પણ થઈ શકે, પણ અહીં ચાણક્ય દ્વારા આ ત્રણ બાબતને જ રત્ન તરીકે સ્થાપિત કરાઈ છે. કારણ સ્પષ્ટ છે. કોઈ એક બાબત જીવન માટે જરૂરી છે, તો કોઈ બાબત વિકાસ તથા ‘રસ’ માટે જરૂરી છે તો કોઈ બાબત સમાજના સંગઠન માટે જરૂરી છે. આ ત્રણેય બાબતો સિદ્ધ થયા પછી આગળનાં રત્નોની વાત થઈ શકે.

રત્નની સાચવણી જરૂરી છે. હવા પ્રદૂષણમુક્ત હોવી જોઈએ, એ રીતે તેની સાચવણી થઈ શકે. પાણીને અને પાણીના ોતને પણ પ્રદૂષણથી મુક્તિ મળવી જોઈએ. આ સાથે પાણીની બચત પણ થવી જોઈએ, પાણીનો સંગ્રહ પણ થવો જોઈએ, અને પાણીનો બગાડ પણ અટકવો જોઈએ. અન્ન માટે પણ આમ જ કહી શકાય. સૌપ્રથમ તો અન્નની ગુણવત્તા યોગ્ય હોય તે જરૂરી છે. અન્ન એ રીતે હોવું જોઈએ કે જેનાથી શરીરનું ઘડતર અને વિકાસ થઈ શકે, રોગપ્રતિકારક શક્તિ કેળવાય અને શારીરિક અશક્તિની સંભાવના દૂર થાય. અહીં ક્યાંક પાણીપુરી સામે ચ્યવનપ્રાશનું મહત્ત્વ સ્થાપિત થાય છે. અન્નનો સંગ્રહ પણ જરૂરી છે.

આપણ વાંચો:  માતા, હું મારી વર્તણૂક પર શરમિંદો છું, મને માફ કરો!

સારી વાણીનો સંગ્રહ ન થઈ શકે. આ તો રોજ રોજ પ્રયોગમાં લેવાતી બાબત છે. પ્રત્યેક શબ્દના ઉચ્ચારણ વખતે, પ્રત્યેક વાતની રજૂઆત વખતે, પ્રત્યેક માન્યતા સ્પષ્ટ કરતી વખતે, પ્રત્યેક શ્રદ્ધાની સ્થાપના કરતી વખતે, પ્રત્યેક વિચારધારાને જણાવતી વખતે ‘સારી વાણી’ હોય તે ઇચ્છનીય છે. જો વાણી સારી હોય તો જે તે બાબતની સ્વીકૃતિ સરળ બને. એમ પણ કહી શકાય કે સારી વાણીથી કલહને દૂર કરી શકાય અને યુદ્ધ પણ અટકાવી શકાય. સારી વાણીથી સંદેશો સરળતાથી પહોંચી શકે, જે સમાજના બંધારણ માટે જરૂરી ઘટના કહેવાય. સારી વાણી મધુર તો લાગે જ, પણ એકવાર તે સાચી છે તેમ માનવા મન પણ પ્રેરાય. સારી વાણીની આ એક મોટી જીત કહેવાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button