
ભોપાલ: વન્યજીવ પ્રેમીઓ માટે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક(Kuno National Park)માંથી ખુશ ખબર આવ્યા છે. નીરવા નામની એક માદા ચિત્તાએ પાંચ સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે નેશનલ પાર્કમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 29 પર પહોંચી ગઈ છે.
ભારતમાં ચિત્તા પુનર્વસન યોજના માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. વન વિભાગ અને નિષ્ણાતોની ટીમ ઘણા સમયથી ચિત્તાઓનું કુદરતી વાતાવરણમાં સફળ સંવર્ધન માટે સતત મહેનત કરી રહી છે, જેમાં મોટી સફળતા મળી છે.
કુનોમાં ચિત્તાની સંખ્યા
તાજેતરમાં, બે ચિત્તાને કુનોમાંથી મંદસૌરના ગાંધી સાગર અભયારણ્યમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાની સંખ્યા ઘટીને 24 થઈ ગઈ હતી. પરંતુ હવે કુનોમાં માદા ચિત્તા નીરવાએ પાંચ બચ્ચાને જન્મ આપતા, આ આંકડો ફરીથી 29 પર પહોંચી ગયો છે.
અહેવાલ મુજબ એક ખાસ મેડીકલ ટીમ સતત બચ્ચા અને માદા ચિત્તાના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. હાલ પાંચેય બચ્ચાઓનું સ્વાસ્થ્ય સારું છે. તેમનીઓ કાળજી લેવામાં આવી રહી છે.
મુખ્ય પ્રધાન ખુશી વ્યક્ત કરી:
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કુનોમાં નવા મહેમાનોનું સ્વાગત છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓની વસ્તી સતત વધી રહી છે તે ખૂબ જ આનંદની વાત છે. તાજેતરમાં 5 વર્ષની માદા ચિત્તા નીરવાએ 5 બચ્ચાને જન્મ આપ્યો છે.
મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે પ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના વન્યજીવન સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી અને કુનોની ટીમ, નિષ્ણાતો અને તમામ સહયોગીઓને અભિનંદન આપ્યા.
આપણ વાંચો…Video: ડ્રાઈવરે ચિત્તાઓને પાણી પીવડાવ્યું, વન વિભાગે લીધા કડક પગલા