`બૅટ્સમૅન કૃણાલ પંડ્યા’એ બેંગલૂરુને વિજય અપાવ્યો
કોહલી સાથે પંડ્યા સિનિયરની 119 રનની મૅચ-વિનિંગ ભાગીદારી

નવી દિલ્હીઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ અહીં રવિવારે દિલ્હી કૅપિટલ્સે (DC) સામેના સાધારણ સ્કોરવાળા મુકાબલામાં છ વિકેટે જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી વધુ 14 પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. કૃણાલ પંડ્યા (73 અણનમ, 47 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)એ બેંગલૂરુને સામાન્ય રીતે બોલર તરીકે આ વખતે મૅચો જિતાડી છે, પણ એક સમયની મોખરાની ટીમ દિલ્હી સામેની આ મૅચમાં કૃણાલે બૅટ્સમૅનની ભૂમિકા ભજવી હતી અને અણનમ 73 રન કરીને બેંગલૂરુની જીત આસાન કરી હતી. દિલ્હીની ઇનિંગ્સમાં તેણે એક વિકેટ પણ લીધી હતી.
કૃણાલ અને વિરાટ કોહલી (51 રન, 47 બૉલ, ચાર ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 119 રન બન્યા હતા. કૅપ્ટન રજત પાટીદાર (છ રન)ની રનઆઉટમાં ત્રીજી વિકેટ પડી ત્યારે બેંગલૂરુનો સ્કોર ફક્ત 26 રન હતો. ત્યાર બાદ કોહલી-કૃણાલની જોડીએ 84 બૉલમાં 119 રનની ભાગીદારી કરીને બેંગલૂરુને જીત નક્કી કરી આપી હતી અને 12 પૉઇન્ટ ધરાવનાર દિલ્હીને ફરી ટૉપ કરવા નહોતી દીધી.
એ પહેલાં, દિલ્હીએ બૅટિંગ મળ્યા બાદ આઠ વિકેટે 162 રન કર્યા હતા. કેએલ રાહુલ (41 રન, 39 બૉલ, ત્રણ ફોર) નિયંત્રિત ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે ટ્રિસ્ટેન સ્ટબ્સ (34 રન, 18 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)એ બેંગલૂરુના બોલર્સનો પડકાર ઝીલીને દિલ્હીને 150-પ્લસનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો. એક તબક્કે દિલ્હીનો સ્કોર ચાર વિકેટે 102 રન હતો. જોકે બીજા 60 રનમાં તેમણે બીજી ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
બેંગલૂરુ વતી ભુવનેશ્વર કુમારે ત્રણ તેમ જ જૉશ હૅઝલવૂડે બે અને યશ દયાલ તથા કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.
આપણ વાંચો: અનિલ કુંબલે કહે છે, `કોલકાતા કેમ વેન્કટેશ ઐયરને…’
ભુવનેશ્વર આઇપીએલ (ipl)ના ઇતિહાસમાં બીજા નંબરનો બોલર થઈ ગયો હતો. તેના નામે કુલ 193 વિકેટ છે. તેણે પીયૂષ ચાવલા (192)ને પાછળ રાખી દીધો છે. ચહલ 214 વિકેટ સાથે અવ્વલ છે.