IPL 2025

અનિલ કુંબલે કહે છે, `કોલકાતા કેમ વેન્કટેશ ઐયરને…’

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટને રહાણેની ટીમની સૌથી મોટી કચાશ બતાવી

કોલકાતાઃ આઇપીએલ (IPL)ની ડિફેન્ડિંગ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ આ વખતે ખરાબ પર્ફોર્મ કરી રહી છે અને શનિવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે વરસાદને લીધે મૅચ અનિર્ણિત રહેતાં કેકેઆરે એક પૉઇન્ટની મદદથી એક ક્રમની પ્રગતિ કરી હતી અને અજિંક્ય રહાણેના સુકાનમાં આ ટીમ સાતમા સ્થાને આવી ગઈ હતી, પરંતુ આ ટીમમાં હજી ઘણી કચાશ છે જેમાંની મોટી ખામી ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અનિલ કુંબલે (ANIL KUMBLE)ના મતે એ છે કે આ ટીમ હજી સુધી પરફેક્ટ ઇલેવન બનાવી જ નથી શકી. કુંબલેનું એવું પણ કહેવું છે કે મહત્ત્વના બૅટ્સમૅન વેન્કટેશ ઐયર (VENKATESH IYER)ને મિડલમાંથી ટૉપ-ઑર્ડરમાં લાવવાની જરૂર છે.

શનિવારે પંજાબે પ્રભસિમરન સિંહ (83 રન) અને પ્રિયાંશ આર્ય (69 રન) વચ્ચેની 120 રનની ભાગીદારીની મદદથી ચાર વિકેટે 201 રન કર્યા હતા. પ્રિયાંશ અને પ્રભસિમરને મળીને કુલ 10 સિક્સર ફટકારી હતી. પછીથી કોલકાતાનો સ્કોર વિના વિકેટે સાત રન હતો ત્યારે વરસાદ પડવાનો શરૂ થયો હતો અને પછીથી મૅચ નહોતી રમાઈ અને બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવાયો હતો.

કુંબલે કહે છે કે કોલકાતાએ અન્ય ટીમોની જેમ આ સીઝનમાં ક્યારેય પરફેક્ટ ઇલેવન બનાવી જ નથી.’ કોલકાતા પાસે કુલ 21 ખેલાડી છે જેમાંથી એણે શનિવારે 17મા અને 18મા ખેલાડીનો ઉપયોગ કર્યો હતો. પેસ બોલર ચેતન સાકરિયાને ઈજાગ્રસ્ત ઉમરાન મલિકના સ્થાને અને રૉવમૅન પોવેલને રમણદીપ સિંહના સ્થાને રમાડવામાં આવ્યો હતો. સાકરિયાને તો બોલિંગ કરવા મળી હતી (જેમાં તે 3-0-39-0ની બોલિંગ ઍનેલિસિસ સાથે) ધાર્યા જેટલું સારું પર્ફોર્મ નહોતો કરી શક્યો, જ્યારે વરસાદને લીધે મૅચ વધુ ન રમાતાં પોવેલને બૅટિંગ નહોતી કરવા મળી. કુંબલેને 2024માં ટ્રોફી જીતનાર કોલકાતાની ટીમ માટે આ વખતે પ્લે-ઑફની શક્યતા નથી દેખાતી. તેણે એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટને કહ્યું,કોલકાતા પાસે ટીમ સારી નથી એવું નથી. અમુક ખેલાડીઓ તેમની ક્ષમતા જેવું નથી રમી શક્યા. વેન્કટેશ ઐયરને ટૉપ-ઑફ-ધ ઓર્ડરમાં મોકલવો જોઈએ. 2024ની આઇપીએલમાં કોલકાતા વતી તેણે પાવરપ્લેમાં બહુ સારી ફટકાબાજી કરી હતી. ત્યારે પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઇક-રેટ (100 બૉલદીઠ બનાવેલા રન) 220.00નો હતો. તે પાવરપ્લેમાં સારું રમી શકે છે. અગાઉ રમ્યો છે. આ વખતે તેને ચોથા કે પાંચમા નંબરે મોકલવામાં આવે છે અને તેને ફક્ત છ ઇનિંગ્સ રમવા મળી છે. આ વખતે તેણે 135 રન કર્યા છે અને 139.17 તેનો સ્ટ્રાઇક-રેટ છે.

આપણ વાંચો:  દિલ્હીને બેંગલૂરુના બોલર્સે અંકુશમાં રાખ્યું, આરસીબીને 163 રનનો લક્ષ્યાંક

કોલકાતાની આગામી મૅચ મંગળવારે (29મી એપ્રિલે) દિલ્હી સામે રમાશે. ત્યાર બાદ અજિંક્ય રહાણેની ટીમે રાજસ્થાન, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલૂરુ સામે રમવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button