દિલ્હીને બેંગલૂરુના બોલર્સે અંકુશમાં રાખ્યું, આરસીબીને 163 રનનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB) સામે બૅટિંગ મળ્યા બાદ સાધારણ શરૂઆત કર્યા બાદ મિડલ-ઑર્ડરમાં ધબડકો જોયા પછી છેવટે 20 ઓવરને અંતે 162/8નો સાધારણ સ્કોર નોંધાવ્યો હતો. ખરેખર તો યજમાન દિલ્હીને બેંગલૂરુના બોલર્સે અંકુશમાં રાખ્યા હતા. મધ્યની ઓવર્સમાં દિલ્હીના બૅટ્સમેન બિગ શૉટ મારવામાં કે બે ફીલ્ડર વચ્ચેના ગેપમાંથી બૉલને બાઉન્ડરી લાઇન તરફ મોકલવામાં નિષ્ફળ ગયા હતા જેને પરિણામે તેઓ 200 રનની નજીક નહોતા પહોંચી શક્યા.
કેએલ રાહુલ (41 રન, 39 બૉલ, ત્રણ ફોર) પણ નિયંત્રિત ઇનિંગ્સ રમ્યો હતો, જ્યારે 118 રનના કુલ સ્કોર પર તેની અને 120 રનના સ્કોર પર આશુતોષ શર્મા (બે રન)ની વિકેટ પડ્યા બાદ ટ્રિસ્ટેન સ્ટબ્સ (34 રન, 18 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)એ બેંગલૂરુના બોલર્સનો પડકાર ઝીલીને દિલ્હીને 150-પ્લસનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો.
આઈપીએલ (IPL-2025)ની વધુ એક રસાકસીભરી બની શકે એવી આ મૅચમાં એક તબક્કે દિલ્હીનો સ્કોર ચાર વિકેટે 102 રન હતો. જોકે બીજા 60 રનમાં તેમણે બીજી ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
162 રનના ટોટલમાં ઓપનર અભિષેક પોરેલ (28 રન), 17 દિવસ બાદ ફિટ થઈને પાછા રમેલા ફાફ ડુ પ્લેસી (બાવીસ રન) અને કૅપ્ટન અક્ષર પટેલ (15 રન)ના સામાન્ય યોગદાન હતા. કરુણ નાયર ફક્ત ચાર રન કરીને આઉટ થયો હતો.
બેંગલૂરુ વતી ભુવનેશ્વર કુમારે ત્રણ તેમ જ જૉશ હૅઝલવૂડે બે અને યશ દયાલ તથા કૃણાલ પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી.
આપણ વાંચો: અધધધ…ભારતે યોગાસનની એશિયન સ્પર્ધામાં આટલા ગોલ્ડ મેડલ જીતી લીધા!