પાકિસ્તાન સામે કાર્યવાહીની તૈયારીઓ; સંરક્ષણ પ્રધાન અને CDS વચ્ચે બેઠક, BSF ચીફ ગૃહ મંત્રાલય પહોંચ્યા

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા (Pahalgam Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દેશભરના લોકો પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપી ચુક્યા છે. એવામાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ સાથે મીટીંગ કરી (Rajnath Singh-Anil Chauhan Meeting) હતી.
અહેવાલ મુજબ રાજનાથ સિંહના નવી દિલ્હી ખાતેના નિવાસસ્થાને આ મિટિંગ થઇ હતી. આ મિટિંગ લગભગ 40 મિનિટ ચાલી. બેઠકમાં, જનરલ અનિલ ચૌહાણે રાજનાથ સિંહને વિવિધ કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા અને સુરક્ષા સ્થિતિને મજબૂત બનાવવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં ગભરાટ; બિલાવલ ભુટ્ટોના પરિવારે દેશ છોડ્યો
BSFના ચીફ ગૃહ મંત્રાલય પહોંચ્યા
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ડાયરેક્ટર જનરલ દલજીત સિંહ ચૌધરી ગૃહ મંત્રાલયના કાર્યાલયમાં પહોંચ્યા હતાં. આ જોતા અંદાજ લાગવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં સઘન કાર્યવાહી
સિક્યોરીટી ફોર્સીઝે જમ્મુ-કાશ્મીરના જંગલો અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. ઘણા શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે, અને આતંકવાદીઓને શોધવા માટે સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. NIA ની એક ખાસ ટીમ પણ પહેલગામ પહોંચી ગઈ છે, જે હુમલા પાછળના કાવતરા અને આતંકવાદી નેટવર્કને શોધવા તપાસ કરી રહી છે.