ફરી કપિલ સિબ્બલે સરકારને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની કરી માગણી

નવી દિલ્હીઃ રાજ્સસભાના સ્વતંત્ર સાંસદ કપિલ સિબ્બલે આજે રાજકીય પક્ષોને પહલગામ આતંકવાદી હુમલાને પગલે મે મહિનામાં શક્ય તેટલું જલ્દી સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે સરકારને વિનંતી કરવાનો આગ્રહ કર્યો હતો.
સિબ્બલે જણાવ્યું કે ૨૫ એપ્રિલના રોજ મેં સૂચન કર્યું હતું કે આ દુઃખની ઘડીમાં દેશની એકતા દર્શાવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઇએ. હું બધા રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે તેઓ સરકારને મે મહિનામાં શક્ય તેટલું જલ્દી આવું સત્ર બોલાવવા માટે વિનંતી કરે.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે સમગ્ર ભારતમાં મજબૂત લાગણીઓ: અજિત પવાર
સિબ્બલે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદનું ખાસ સત્ર બોલાવવા અને પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કરવા વિનંતી કરી હતી. જેથી વિશ્વને સંદેશ મળે કે દેશ સંગઠિત છે.
સિબ્બલે સરકારને પાકિસ્તાન પર રાજદ્વારી દબાણ બનાવવા માટે શાસક અને વિપક્ષી સાંસદોના પ્રતિનિધિમંડળો વિવિધ મહત્વપૂર્ણ દેશોમાં મોકલવાનું સૂચન પણ કર્યું હતું.
અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને સૂચન કર્યું કે જે રીતે અમેરિકા પ્રતિબંધો લાદે છે, તેમ ભારતે પણ પાકિસ્તાન સાથે વેપાર સંબંધો ધરાવતા તમામ મુખ્ય દેશોને કહેવું જોઇએ કે જો તેઓ ઇસ્લામાબાદ સાથે વેપાર કરે છે તો તેઓ ભારતીય બજારમાં પ્રવેશી નહીં શકે.
આપણ વાંચો: ‘હિન્દુઓ ક્યારેય આવું નહીં કરે’: પહલગામ આતંકવાદી હુમલા પર આરએસએસ વડા મોહન ભાગવત
ગુરૂવારે વિવિધ પક્ષોના નેતાઓએ આતંકવાદ અને આતંકવાદી શિબિરો સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી અને સરકારને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી હતી.
પહલગામ હુમલા પર ચર્ચા કરવા માટે યોજાયેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન સરકારે કહ્યું હતું કે તે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લઇ રહી છે તેમ જ નેતાઓને આતંકવાદ અને તેના સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.