નાગરિકતા પર સવાલ ઉઠાવનાર પાકિસ્તાનના પ્રધાનની અદનાન સામીએ કાઢી ઝાટકણી

પહલગામમાં હિંદુઓ પર હુમલા અને હત્યા પછી આખો દેશ શોક અને ક્રોધમાં છે. ભૂતપૂર્વ પાકિસ્તાની અને હવે ભારતીય એવા અદનાન સામીએ પણ આ ઘટનાથી અત્યંત દુઃખી થયાનું જણાવ્યું હતું. આ દરમિયાન તે પાકિસ્તાની રાજકારણી અને ભૂતપૂર્વ મંત્રી ફવાદ અહેમદ હુસૈન ચૌધરીને નિશાન બનાવતો જોવા મળ્યો અને તેની જોરદાર ટીકા કરી.
સોશિયલ મીડિયા એક્સ પર એક ભારતીય પત્રકારે પહલગામ હુમલા પછી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના કેન્દ્રના આદેશ વિશે લખ્યું હતું. ફવાદ અહેમદે આ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે અદનાન સામી વિશે શું? તેણે અદનાન સામીના વજન ઘટાડા અંગે પણ તેના પર કટાક્ષ કર્યો અને કહ્યું, “આપણા પોતાના લાહોરી અદનાન સામી એવા લાગે છે કે ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ છે… જલ્દી સ્વસ્થ થઈ જાઓ.
હવે અદનાન સામીએ પણ ફવાદ અહેમદ પર વળતો પ્રહાર કર્યો છે. ગાયકે તેના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે, તું મૂર્ખ છે એટલે સમજી નથી શકતો. હું લાહોરનો નથી, મારા મૂળિયાં પેશાવરમાં છે. તું (ખોટા) માહિતી પ્રધાન છો અને તને કોઈ માહિતી નથી. મારી હવા નીકળી ગઈ પણ તું હજુ પણ ફુગ્ગો છો અને તું વિજ્ઞાન પ્રધાન હતો? શું એ બકવાસનું વિજ્ઞાન હતું?? હવે મને ખબર પડી કે તમારા નામમાં ‘CH’ નો અર્થ શું થાય છે.
આપણ વાંચો: ભારતની તૈયારીઓથી પાકિસ્તાનમાં ગભરાટ; બિલાવલ ભુટ્ટોના પરિવારે દેશ છોડ્યો
તમને જણાવી દઈએ કે અદનાન સામીનો જન્મ બ્રિટનમાં થયો હતો. ગાયકના પિતા પાકિસ્તાનના હતા અને માતા જમ્મુના હતા, પરંતુ અદનાન 2001થી ભારતમાં રહે છે. અગાઉ તેની પાસે વિઝિટર વિઝા હતા પછી વર્ષ 2015માં તેણે ભારતીય નાગરિકતા માટે અરજી કરી અને સરકારે વિનંતીને મંજૂરી આપી. હવે 2016થી અદનાન સામી ભારતીય નાગરિક છે.