નેશનલ

પહલગામ મુદ્દે મણિશંકર અય્યરની ટિપ્પણીને ભાજપે વખોડી, કહ્યું હજુય બતાવે છે ‘પાકિસ્તાન પ્રેમ’

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા પર વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરની ટિપ્પણી પર ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે અને તેના પર “ટેરર ઇકોસિસ્ટમ”નું રક્ષણ કરવાનો અને “પાકિસ્તાન પ્રત્યે પ્રેમ” દર્શાવવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐય્યરે શનિવારે એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે શું 22 એપ્રિલે બૈસરન ઘાટીમાં આતંકવાદી હુમલો “વિભાજનના વણઉકેલાયેલા સવાલોનું’ પરિણામ હતું. ભાજપે તેને કોગ્રેસ નેતાઓ અને તેના પરિવારજનો દ્ધારા કરવામાં આવેલી નિંદનીય અને અપમાનજનક ટિપ્પણીઓની કડીમાં સામેલ કરવામાં આવ્યો છે. ભાજપની ટિપ્પણીઓ પર કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

કોંગ્રેસનું તુષ્ટિકરણ યથાવત
ઐય્યરની ટિપ્પણીઓ પર કડક પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “સારો પોલીસ જવાન, ખરાબ પોલીસ જવાન, કોંગ્રેસનું તુષ્ટિકરણ પહલગામ આતંકવાદી હુમલા પર પણ યથાવત છે!” તેમણે કહ્યું હતું કે, “રોબર્ટ વાડ્રા અને સિદ્ધારમૈયા પછી હવે મણિશંકર ઐય્યરે પાકિસ્તાન અને આતંકવાદીઓને દોષ આપવાનો ઇનકાર કરી દીધો છે!” તેમણે વધુમાં કહ્યું, “26/11 પછી કોંગ્રેસમાં કાંઈ પણ બદલાયું નથી, હજુ પણ આતંકવાદી ઇકોસિસ્ટમનું રક્ષણ કરી રહ્યું છે, હજુ પણ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ બતાવી રહ્યું છે.”

રોબર્ટ વાડ્રાએ પણ કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન
પ્રદીપ ભંડારીએ લખ્યું હતું કે, “સિદ્ધારમૈયાનું ‘યુદ્ધના પક્ષમાં નહીં’ અને કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાના એ સૂચન કે પહલગામમાં બિન-મુસ્લિમો પર હુમલો કરવામાં આવ્યો કારણ કે આતંકવાદીઓ માને છે કે દેશમાં મુસ્લિમો સાથે ‘ખરાબ વર્તન’ થઈ રહ્યું છે, તેની તમામ સ્તરે ટીકા થઈ છે. ભાજપે વાડ્રા પર આકરા પ્રહારો કરતા તેમના પર આતંકવાદીઓની ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને તેમની પાસેથી માફી માંગી.”

ભાગલાના પરિણામો સાથે જીવી રહ્યા છીએ
ઐય્યરે પોતાની તાજેતરની ટિપ્પણીમાં કહ્યું હતું કે દેશ સમક્ષ આજે પણ એ જ પ્રશ્ન છે જે પહેલા હતો કે શું ભારતમાં મુસ્લિમોને સ્વીકારવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે. આ હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું હતું કે, “પરંતુ સત્ય એ છે કે ભાગલા પડ્યા અને આજ સુધી આપણે તે ભાગલાના પરિણામો સાથે જીવી રહ્યા છીએ. શું આપણે આ રીતે જીવવું જોઈએ? શું ભાગલાના વણઉકેલાયેલા પ્રશ્નો 22 એપ્રિલના રોજ પહલગામમાં બનેલી ભયાનક દુર્ઘટનામાં પ્રતિબિંબિત થાય છે?”

આપણ વાંચો:  સિંધુ જળ સંધી અંગેના શંકરાચાર્યના મતનો નારાયણ રાણે દ્વારા વિરોધ

પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડશે
નોંધનીય છે કે પ્રદીપ ભંડારી શુક્રવારે હરિયાણાની મુલાકાતે ગયા હતા અને લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યા હતા. પરિવારને મળ્યા બાદ ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાને હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવાની ભારે કિંમત ચૂકવવી પડશે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, “હું પહલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા બહાદુર શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલના પરિવારને મળ્યો. તેમની પત્ની હિમાંશી નરવાલ અને તેમના શોકગ્રસ્ત પરિવારના દુ:ખને કોઈ શબ્દો હળવું કરી શકતા નથી, પરંતુ હું તમને એક વાત કહી દઉં છું: ભારત માફ નહીં કરે!”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button