શિંદે જૂથે ગરદી એકઠી કરવાનો પ્રધાનોને આપ્યો ટાર્ગેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દશેરા કોઈ મોટો તહેવાર નથી, પરતું આનંદની છોળો ઊડે છે એવું કહેવામાં આવે છે. દશેરાની સાથે રાજકીય રેલીનું ગણિત જોડાયેલું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચર્ચા ચાર રેલીની ચર્ચા થાય છે. પહેલી શિવસેનાની શિવાજી પાર્કમાં થનારી રેલી, બીજી નાગપુરમાં રેશીમબાગ ખાતે આરએસએસની રેલી, ત્રીજી નાગપુરની દિક્ષા ભૂમિ પરની આંબેડકરી જનતાની ધર્માંતરણ પ્રસંગની યાદમાં થતી રેલી અને ચોથી પંકજા મુંડેની ભગવાનગઢ પર થનારી રેલી. હવે ગયા વર્ષથી આમાં એક પાંચમું નામ ઉમેરાયું છે, એકનાથ શિંદેની રેલી. ગયા વર્ષે બીકેસીના વિશાળ મેદાન પર થયેલી રેલી આ વખતે આઝાદ મેદાનમાં થવાની છે.
આઝાદ મેદાન પર થનારી શિંદે જૂથની રેલીમાં મોટી સંખ્યામાં લોકોને ખેંચી લાવવાની જવાબદારી રાજ્યના શિંદે જૂથના પ્રધાનોને સોંપવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટીના પદાધિકારીઓ અને જિલ્લા પ્રમુખોને પણ ગરદી ખેંચી લાવવાનો ટાસ્ક આપવામાં આવ્યો છે. દરેક પ્રધાને ઓછામાં ઓછા પાંચ હજાર લોકો લાવવાના છે, જેમાં લાવવામાં આવેલા લાકોને લાવવા- લઈ જવા, તેમના ખાવાની વ્યવસ્થા કરવી વગેરેનો સમાવેશ થાય છે. આઝાદ મેદાન પર તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
શિંદે જૂથની રેલીને કારણે ફોર્ટ વિસ્તારના રસ્તા થશે જામ
આઝાદ મેદાન પર શિંદે જૂથની રેલી માટે 5,200થી વધુ બસો અને 8-10 હજાર નાના વાહનો દક્ષિણ મુંબઈમાં આવશે એવી માહિતી આપતાં શિંદે જૂથના પ્રવક્તાએ કહ્યું હતું કે રેલીમાં બે લાખથી વધુ કાર્યકર્તા સામેલ થશે. આ બધાને કારણે દક્ષિણ મુંબઈના ફોર્ટના રસ્તા ચારથી પાંચ કલાક જામ થવાની શક્યતા જોવાઈ રહી છે.
મુંબઈ-થાણેથી આવી રહેલા વાહનો બેલાર્ડ એસ્ટેટમાં ઉતરશે અને જીઆરપી કમિશનર રોડ કર્નાક બંદર પર તેમની બસને પાર્કિંગ આપવામાં આવશે. આવી જ રીતે આવી જ રીતે બસમાં આવનારા કાર્યકર્તાને કોટન ગ્રીનમાં પણ પાર્કિંગ આપવામાં આવશે. પશ્ર્ચિમ મહારાષ્ટ્રથી આવનારી બસમાંથી હોર્નિમન સર્કલ પાસે ઉતરશે. તેમની બસો ભાઉચા ધક્કા પર ઊભી રાખવામાં આવશે. મરાઠવાડા અને વિદર્ભથી આવનારી બસો ગેટ નંબર 11 પર શિવસૈનિકોને ઉતારશે. તેમને શિવડી બીપીટીમાં પાર્કિંગ આપવામાં આવ્યું છે. નાના વાહનોને વિધાનભવન, એનસીપીએ, મનોરા વગેરેમાં પાર્કિંગ અપાશે આવી જ રીતે કોલાબામાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ પાસે ઉતારવામાં આવશે. નાના વોહનો હોર્નિમન સર્કલ, ફોર્ટ લેન અને બેલાર્ડ એસ્ટેટમાં પાર્કિંગ આપવામાં આવ્યું છે.