ઉત્સવ

આજે આટલું જ : હવે આઇપીએલમાં જ મસ્ત રહ્યા તો ખલાસ… ગયા કામથી…

-શોભિત દેસાઈ

આજના લેખમાં ભાષા ભાન ખોઇ બેસે એ પહેલાં ‘લાખો નિરાશા’માંથી મળેલી ‘અમર આશા’ તમને પહોંચાડું. ટિપિકલ કાશ્મીરી નાક અને દાઢીવાળા સજ્જાદ એહમદ ભટ્ટ પહેલગામના બૈસરણ ઇલાકામાં પેન્ટ ઉપર જાડું ગંજી પહેરીને ગુજરાન ચલાવતા એક ફેરિયા છે. નિઘૃણ નરાધમ ઘટનાની વચોવચ એણે ભયંકર જખ્મી, લગભગ લાશ જેવા એકને ખભે ઊંચકીને જયાં બચવા માટે જવાનું હોય એ પાર ઉતાર્યા છે, આ શબ્દો સાથે; ‘ડર તો ખૂબ હતો, મનમાં, પણ ઇન્સાનિયતનો ધર્મ ડરને વટાવી ગયો.

ઇન્સાનિયત બહુ મોટી ચીજ છે. પહેલાં ઇન્સાનિયત છે, ધરમ પછી આવે છે.’ સજ્જાદ એહમદ ભટ્ટનું આ એક જ વાક્ય ત્રાસવાદીઓની આખી નરાધમ પ્રજાનું, આત્માને નામે મોટું મીડું એવા કાચી ખુદાઇ હોજરીમાં ઠાલવી ગુજરાન ચલાવતા નૃશંસ ઘાતકીઓનું અને માનવજાતનું કલંક એવા કોઇ દેશનું પ્રજનન અંગ કાપીને એમનો ઠઠ્ઠા નથી ઉડાવતું?!

હું શોભિત પોતે, બે વખત અમૃતસર ગયો છું. પહેલી વખત અટારી બોર્ડર પર પરેડ જોવા ગયો જ હતો. આનાથી વધારે હીપોક્રેટ અને બોરિંગ શો મેં મારી જિંદગીમાં નથી જોયો. હું, (અસંખ્ય હોત તો અસંખ્ય હાથે, પણ નથી એટલે બે હાથ અને માથાથી) સરકારના આ પરેડ બંધ કરવાના નિર્ણયને વધાવું છું. સરકારને સૂચન પણ છે કે આ બકવાસ ખરાબ નાટકના શો જેવી પરેડ હવે ક્યારેય શરૂ ન થવી જોઇએ.

વિઝા ખતમ કરી નાખ્યા, ડિપ્લોમેટ્સને રવાના કર્યા ઇત્યાદી કર્યું એ જાગૃતિને સલામ. કૉંગ્રેસ આ ય નહોતી કરતી, ગૃહ પ્રધાન લાશોના ખડકાતા જથ્થા સાથે બંધ ગળાનો કોટ કે નકશીદાર ઝભ્ભો કે અલગ ચશ્માની ફ્રેમ સજાવી પ્રેસ બ્રિફિંગ્સમાં હાજર રહેતા. સમગ્ર ભારતવાસીઓનું પુરુષાતન જાગૃત થઇ જાય એવી રીતે સરકારે ઇન્ડસ એકોર્ડ (1960, તત્કાલીન વડા પ્રધાનનો નોબેલ પ્રાઇઝ માટેનો કદાચ આખરી પેંતરો) જેનો 80 ટકા ફાયદો પાકિસ્તાનને થયો, (પાકિસ્તાન ટળવળત ભારતનાં જળ વગર) અભરાઇએ ચઢાવી દીધો છે. પેટ ફૂલાવીને હાથણીનો ભ્રમ ઊભો કરવાની નાકામ કોશિશ કરતી દેડકી એટલે પાકિસ્તાન.

આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ઓવરપ્રાઇસ્ડ વેલ્યૂ છે બે કોડી. એ બે કોડીના પાકિસ્તાનને હવે ઇમોશનલ બ્લેકમેઇલિંગ, કરાર પરત્વેના કમિટમેન્ટ, માણસાઇની દૃષ્ટિ ઇત્યાદિના ભદ્દા નુસખા સૂઝે છે. સાલા તમે પોતે ઇન્સાનિયતના મોટામાં મોટા દુશ્મનો છો અને તમે અમને કે આખા જગતને માણસાઇના પાઠ ભણાવવાના?! ભઇલા પાકિસ્તાન! આ બધું તારે તારા નરાધમોને પહેલગામ મોકલતા પહેલાં વિચારવાનું હતું…

જનમતી વખતે જ ઇન્સાનિયત ખુદા તાલાને ગિરવે આપી આવેલુ પાકિસ્તાન, એનું મિલિટરી શાસન, એના મહાલંપટ-ભ્રષ્ટ-લાંચિયા શાસક અને એના પોણિયા માફિયા આકાઓ ક્યારનાં નાદારી નોંધાવવા તલપાપડ છે. ભારત સરકારને એટલી જ અરજ કે આપે સત્વરેમાં સત્વરે એમને એક ચાન્સ. મોદીજી જે સંયમી કડકાઇથી બોલ્યા છે એનું પૂર્ણપણે પાલન એમના કેબિનેટ સાથીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમલદારશાહી કરે એવી દુઆ પોતપોતાના પરમાત્મા પાસે હર ભારતવાસી માગે એવી અપેક્ષા અને હઠાગ્રહ.

ફોડલીને વકરવા દીધી તો ગૂમડું બની ગઇ, એ શરીરનાં અવયવો ન ખાઇ જાય એ દરેક ભારતવાસીએ જોવું જ રહ્યું. આ જ ક્ષણથી…

જાગીએ આજથી ચાલો, જાગીએ
સૌ મળીને આવો! જાગીએ
વહાલની સાથે હેત દીધાં
ને ભાઇ ગણી ઓવારણાં લીધાં
પેટમાં પેસી પગ પહોળા કરનારનાયે
સન્માન રે કીધા.

આજથી હવે છેતરાવાનું બંધ કરીને હક માગીએ…

જાગીએ આજથી ચાલો જાગીએ
તોફાની તત્ત્વોને કહી દો, દેખાવો કરવા રહેવા દે
ભારત નામની નાવથી ટકરાશો તો દરિયા ડહોળાશે
રોષથી આંક કરી ત્રાંસી ઊભા
140 કરોડ દેશવાસી ઊભા
મોદીજી! હવે ચઢાવો બાણ
હવે યુદ્ધ એ જ કલ્યાણ.

આજે આટલું જ…

આપણ વાંચો : આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક…2

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button