ઉત્સવ

આકાશ મારી પાંખમાં : હોમ મિનિસ્ટર જિંદાબાદ…

-ડૉ. કલ્પના દવે

‘યાર, રોહિત તને તો જેકપોટ લાગી ગયો. આ જોને આઠ વર્ષથી આ ટેક-કંપનીમાં કામ કરું છું, પણ મને કોઈ પ્રમોશન મળ્યું નહીં અને બે વર્ષમાં તો તું ડીરેક્ટર ટીમમાં પહોંચી ગયો.’ આમ કહેતાં મેહુલ પોતાની હતાશા છુપાવી ન શક્યો.

‘અરે, યાર શું તું પણ આ બે વર્ષમાં મેં કેટલી હજૂરગિરી કરી છે, તું સમજી નહીં શકે. આ બોસને ખુશ રાખવા તમારે સતત તૈયાર રહેવું પડે. જરા વાંકુ પડે ને તો તમારી ધૂળ કાઢી નાંખે.’ રોહિતે કહ્યું.

‘જો, રોહિત તારી સફળતાનું રહસ્ય હું જાણું છું.’ વૈભવીએ કહ્યું.

‘યસ, સફળતાનો શોર્ટકટ એટલે મિસ. માલવિકાની મૈત્રી.’ રોહિતે આંખ મિચકારતા કહ્યું.

‘ના, સાવ એવું નથી. મને ફોરેનની કંપનીનો અનુભવ છે. મારી પાસે ઈનોવેટીવ પ્રોજેકટસ છે. કદાચ એટલે ડિરેકટર્સની ટીમમાં મારી નિમણુંક થઈ છે.’ રોહિતે કહ્યું.

‘વી આર ફ્રેન્ડસ અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ, તારી કાબેલિયત સાથે જો તારી આયડેન્ડીટી જ છીનવાઈ જાય તો? અમે નજરે જોયું છે કે મિરચંદાની પોતાની એકની એક દીકરી માટે એવો મૂરતિયો શોધે છે- જે કંપની સાથે એમનો પણ જી હજુરીયો બની રહે.’ મેહુલે કહ્યું.

‘ઈટ્સ ફાઈન, આય વીલ લાઈક ટુ હેવ રેડીમેડ રીચ લાઈફ.’ રોહિતે કહ્યું.

‘બટ, એટ વોટ કોસ્ટ?.’ માલવિકાના ત્રણ અફેર અમે આ જ કંપનીમાં જોયા છે. શી ઈઝ વેરી એરોગન્ટ અને રૂડ. એ હવે તને- નવા બકરાને ફસાવશે. તારું મગજ ફરી જશે. એનાથી દૂર રહેજે.’ વૈભવીએ કહ્યું.

સફળતાની સીડી ચઢવા એના જેવી ગેમ હું પણ રમી શકું છું.

છ મહિનામાં જ રોહિત અને માલવિકાના ધામધુમથી મેરેજ થયાં. ગ્રાન્ડ પાર્ટી અપાઈ.

મિરચંદાનીએ અંધેરી લોખંડવાલા કોમ્પલેક્ષમાં ત્રણ બેડરૂમનો ફલેટ લીધો. એ ફ્લેટ માલવિકા મિરચંદાનીનાં નામે હતો.

ફલેટના દસ્તાવેજ વાંચતા જ રોહિતે મેનેજરને કહ્યું:-
‘આ ફલેટ મારા નામે હોવો જોઈએ. મેં પણ આમાં 50 ટકા ઈન્વેસ્ટ
કર્યા છે.

વો હમકો નહીં સાહબ કો પૂછના.’ મેનેજરે માલવિકા સામું જોતા કહ્યું.

‘કાલે કદાચ આપણું બ્રેકઅપ થાય તો હું કયાં જઉં?’

‘આ જે કંઈ છે એ મારા પપ્પાની જ પ્રોપર્ટી છે. અને નોમિનીમાં તો તારું નામ છે જ ને!’ માલવિકાએ રોહિતને સમજાવતાં કહ્યું.

રોહિતને સાચી વાસ્તવિકતા સમજાઇ. પોતાની મૂડી તો ગઈ. અને આવું ડિપેન્ડન્ટ જીવન- આ ઘર જ મારું નથી તો મારાં ઘરડાં મા-બાપને અહીં કેવી રીતે રાખીશ. શું આ માલવિકા એમને સ્વીકારશે- નિરાશાના વમળમાં ફસાયેલા એના મનમાંથી અવાજ પડઘાયો- હોમ મિનિસ્ટર જિંદાબાદ.

હવે એક બીજો પ્રસંગ જોઈએ. ઈન્ટર નેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતી એકદમ સરળ સ્વભાવની ભોળી કામિની શ્રોફને મળીએ. કામિની ભણવામાં હોંશિયાર- પપ્પા કહે તેમ જ કરવાનું. શિક્ષિકા તરીકે નોકરી મળી એટલે પપ્પાના કહેવાથી બેંકમાં પહેલી વાર ખાતું ખોલાવ્યું. ફોર્મ પપ્પાએ ભર્યું એણે તો માત્ર સહી કરી.

કામિનીના પપ્પાએ કહ્યું – ‘હવે દર મહિને તારો પગાર આ ખાતામાં જમા કરવાનો. પગાર આવે તે જ દિવસે, શું ? સમજી ને?’

કામિનીની પાસબુક પપ્પા પાસે જ રહેતી. બેંકિંગ ટ્રાન્જેકશન તો પપ્પા જ કરતા. કામિનીએ કહ્યું- ‘પપ્પા, મારી ફ્રેન્ડ કહે છે કે હવે તો બધું શોપિંગ ઓનલાઈન કરવાનું. પર્સમાં તો મિનિમમ ખપ પૂરતા જ પૈસા રાખવા જોઈએ.’

‘હા,પણ આપણે ઓનલાઈન પેમેન્ટ નહીં કરવાનું સમજી? તારે જે જોઈતું હોય મમ્મી સાથે જઈને જ ખરીદવું. અત્યારે ઓનલાઈન ક્રાઈમ બહુ થાય છે. ડાયરેકટ તમારા પૈસા ઉચાપત થઈ જાય.’

કામિની બેંકિંગની નવી ટેકનિકથી અજાણ જ હતી. દર મહિને 40 હજારનો પગાર મેળવતી કામિની પોતાના આર્થિક નિર્ણય લઈ શકતી નહીં.

એક વાર બેંકમાંથી કામિનીને અચાનક ફોન આવ્યો- તમારા 25 હજારના આ ચેકમાં વેરીફિકેશન માટે તમે તુરંત આવો.

‘પણ, મેં કોઈ ચેક મોકલ્યો જ નથી. હંમેશાં મારા પપ્પા જ પૈસા ઉપાડવા આવે છે.’ કામિનીએ કહ્યું.

અડધા કલાકમાં જ કામિની અને પપ્પા બેંકમાં પહોંચી ગયા.

આ ચેકની રકમ લેવા આવેલો એ અજાણ્યા શખ્સને હવે અહી ઊભા રહેવું જોખમ લાગ્યું. એટલે ત્યાંથી છટકી ગયો.

કામિનીએ જોયું કે બરાબર એની જ સહી ચેક પર કોઈએ કરી હતી. એને યાદ આવ્યું કે તે દિવસે પપ્પા તેના ટેબલ પર ચેકબુક ભૂલી ગયા હતા, ત્યારે તેના ભાઈનો મિત્ર મહેશ આવ્યો હતો અને મારી ચેકબુક જોતો હતો. કદાચ એણે બ્લેન્ક ચેક ફાડી લીધા હશે.
પપ્પાએ એ ચેક ફાડી નાંખ્યો અને બેંકના મેનેજર સુલભા જોશીનો આભાર માન્યો.

સુલભાએ કહ્યું- ‘કામિની તમે પોતે શિક્ષિકા છો, તો તમે જાતે બેંકિંગનું કામ કેમ કરી ન શકો? જુઓ સાચી સલાહ આપું છું કે શિક્ષણ આપણને આર્થિક રીતે પગભર બનાવે છે, પણ આપણું કમાયેલું ધન આપણે કેવી રીતે સાચવવું કે કેવી રીતે વાપરવું એ પણ શીખી લેવું જોઈએ.’

‘પણ, મારા પપ્પા છે ને?’

‘પપ્પા છે તેમ છતાંય તારે શીખી લેવું જોઈએ. કાલે તારા લગ્ન થશે તો તારે બેંકિંગનું બધું કામકાજ તારે જ કરવું પડશે. નહીં તો પૈસા માટે આપણા પોતાના માણસોની પણ નિયત બગડે છે.’ મેનેજર મેડમે કહ્યું.

‘મેડમ મારે બેંક ટ્રાન્ઝેકશન વિશે શીખવું છે. જેથી મારાં નાણાકીય નિર્ણયો જાતે લઈ શકું.’

મેડમે એને ઓનલાઈન કોર્સ કરવા જણાવ્યું અને ત્રણ અઠવાડિયા માટે બેંકિંગની પ્રત્યક્ષ ટ્રેનિંગ પણ અપાવી.

આજે બેંગલોરમાં પરણીને સાસરે ગયેલી કામિની શાળાની પ્રિન્સીપાલ તરીકે કામ કરે છે. પોતાનો નાણાકીય નિર્ણય નહીં એક મોટી સંસ્થાનું ફાઈનાન્સ સંભાળે છે.

બેંગલોરમાં એક મોટો ફલેટ ખરીદનાર કામિનીએ પોતાના બિઝનેસમેન પતિને કહ્યું- આ ફલેટ માટેના બધા ડોક્યુમેન્ટસ હું વાંચી જઈશ. આ ફલેટમાં સમાન હકક મારો પણ રહેશે, કારણ કે મેં પણ આમાં મારા નાણાં રોકયા છે. આ ફલેટ આપણા બંનેના નામ રહેશે.

‘વાહ,મેડમ તમને મારા પર ભરોસો નથી કે તમારે આ બધી સ્પષ્ટતા કરવી પડે છે.’

‘સવાલ વિશ્વાસનો નથી પણ સંબંધોમાં પારદર્શિતા જરૂરી છે.’

‘તો શું આપણા સંબંધોમાં તને કોઈ સંદેહ જણાય છે?’

ના, જરાય નહીં. દરેક સ્ત્રીએ સ્વમાન પૂર્વક રહેવું જોઈએ. આર્થિક રીતે પગભર થવું જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં વુમન એમપાવરમેન્ટ થયું કહેવાય.
બિઝનેસમેન મેહુલને પોતાના મિત્ર રોહિતની પત્ની માલવિકા યાદ આવી ગઈ.

મીઠું હાસ્ય વેરતા મેહુલે કહ્યું- હોમ મિનિસ્ટર જિંદાબાદ.

આપણ વાંચો : આકાશ મારી પાંખમાં : એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button