‘અત્યાચારીઓનો વધ કરવો એ આપણો ધર્મ છે’; મોહન ભાગવતે મોદીને આપી સલાહ?

મુંબઈ: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે દેશભરમાં રોષનો માહોલ છે. લોકો માંગ કરી રહ્યા છે કે ભારત સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે. એવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે મહત્વનું નિવેદન આપ્યું છે. આજે શનિવારે મોહન ભાગવતે એક કાર્યકમમાં સંબોધન આપતા કહ્યું અત્યાચાર કરનારાઓને પાઠ ભણાવવોએ આપણી ફરજ છે.
‘ધ હિન્દુ મેનિફેસ્ટો’ નામના પુસ્તકના વિમોચનના કાર્યક્રમને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું ભારત ક્યારેય તેના પાડોશી દેશને નુકસાન પહોંચાડતું નથી પરંતુ જો કોઈ દેશ કે જૂથ ખોટો રસ્તો અપનાવે છે અને અત્યાચાર કરે છે તો રાજાની ફરજ છે કે તે તેના લોકોનું રક્ષણ કરે.
‘રાવણનો વધ એ હિંસા ન હતી’
મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામે રાવણનો વધ કર્યો અને તે હિંસા નહોતી. અત્યાચાર કરનારાઓને રોકવા એ આપણી ફરજ છે. પ્રજાનું રક્ષણ કરવું અને ગુનેગારોને સજા આપવી એ રાજાનું કર્તવ્ય છે. રાવણનો વધ કલ્યાણ માટે થયો હતો. રામે તેને સુધરવાની તક આપી હતી, જ્યારે ન સુધર્યો, ત્યારે તેનો વધ કરવામાં આવ્યો. જ્યારે કોઈ ક્રૂરતાની બધી હદો પાર કરી દે છે અને તેમને સુધારવાનો કોઈ રસ્તો બચતો નથી, ત્યારે તેનો વધ કરવો એ ધર્મનું પાલન છે.
મોહન ભાગવતે કહ્યું, “ખરેખર અહિંસક વ્યક્તિ તાકતવર હોવો જોઈએ. જો તાકાત ન હોય તો કોઈ વિકલ્પ નથી પણ જ્યારે તાકાત હોય ત્યારે જરૂર પડ્યે તે દેખાડવી જોઈએ.” મોહન ભાગવતે તેમના સંબોધનમાં પહેલગામ આતંકવાદી હુમલા કે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો ન હતો. જો કે તેમનો સંદેશ સ્પષ્ટ હતો. એવું માનવામાં આવી રહ્યું છે મોહન ભાગવતે આ નિવેદનથી મોદી સરકારને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની આપીલ કરી હતી.
આપણ વાંચો : ‘હિન્દુઓ ક્યારેય આવું નહીં કરે’: પહલગામ આતંકવાદી હુમલા પર આરએસએસ વડા મોહન ભાગવત