ઇન્ટરનેશનલ

વેટિકનમાં ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે શું રંધાયું? યુએસ પરત ફરતા ટ્રમ્પે પુતિન પર લગાવ્યા આરોપ

વોશિંગ્ટન: થોડા કટલાક દિવસોના ઘટનાક્રમોથી એવી આશા જાગી હતી કે ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) પર વિરામ લાગી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ડીલ થવાની તૈયારીમાં જ છે. રશિયાએ યુક્રેન સાથે શાંતિ માટે વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી હતી. એવામાં આજે ટ્રમ્પે યુટર્ન માર્યો છે. ટ્રમ્પએ કહ્યું કે પુતિન યુદ્ધ સમાપ્ત કરવા નથી ઈચ્છતા.

અહેવાલ મુજબ રશિયાએ કોઈ પણ પૂર્વશરતો વિના યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો કરવા તૈયારી દર્શાવી હતી. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે એક બેઠકમાં અમેરિકી રાજદૂત સ્ટીવ વિટકોફને કહ્યું હતું કે મોસ્કો કિવ સાથે વાતચીત માટે તૈયાર છે.

આ પણ વાંચો: Trump Vs Zelenskky: ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેના વિવાદ અંગે અમેરિકન્સે શું કહ્યું?

ટ્રમ્પનો યુટર્ન:

પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર પછી યુનાઇટેડ સ્ટેટ્સ પરત ફરતી વખતે ટ્રમ્પે રશિયાના ઈરાદા સામે શંકા વ્યક્ત કરી હતી. શુક્રવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગેની ડીલ લગભગ નક્કી છે. તેમના નિવેદનના એક દિવસ બાદ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવા અંગે પુતિનની ઇચ્છા પર શંકા વ્યક્ત કરી.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને લખ્યું “છેલ્લા કેટલાક દિવસોમાં નાગરિક વિસ્તારો અને શહેરોમાં મિસાઇલો છોડવાનું કોઈ કારણ નહોતું. મને લાગે છે કે કદાચ પુતિન યુદ્ધ રોકવા ઈચ્છતા નથી, તેમની સાથે અલગ રીતે વ્યવહાર કરવો પડશે, ‘બેંકિંગ’ અથવા ‘સેકન્ડરી સેનક્શન’ દ્વારા. ઘણા બધા લોકો મરી રહ્યા છે!!!”

આ પણ વાંચો: ટ્રમ્પ અને ઝેલેન્સકીના ડખ્ખામાં બીજા બધા રહ્યા ભૂખા, વ્હાઈટ હાઉસમાં સ્વાદિષ્ટ ભોજન તો હતું પણ…

વેટિકનમાં. ટ્રમ્પ અને ઝેલેન્સકીની મુલાકાત:

નોંધનીય છે કે શનિવારે વેટિકનમાં પોપ ફ્રાન્સિસના ફ્યુનરલ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઇ હતી. ટ્રમ્પ અને ઝેલેન્સકીની મુલાકાતને વ્હાઇટ હાઉસે ‘પ્રોડક્ટીવ’ ગણાવી હતી.

નોંધનીય છે કે વ્લાદિમીર પુતિને પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારમાં હાજરી આપી ન હતી. ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટ દ્વારા પુતિન સામે ધરપકડ વોરંટનો જાહેર કરવામાં આવ્યું છે, તેમના યુક્રેન હુમલો કરવા બદલ તેમના પર વોર ક્રાઈમનો આરોપ મુકવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button