પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે નરેન્દ્ર મોદીની ખૂબ વાહ-વાહ કરી…જાણો શા માટે

કરાચીઃ પહલગામની હૃદયદ્રાવક ઘટનાને લગતી બે દિવસ પહેલાંની રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (NARENDRA MODI)એ હિન્દી ઉપરાંત થોડું અંગ્રેજી (English)માં પણ પ્રવચન (speech) કર્યું એ બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને ગુજરાતી વૈષ્ણવ સમાજના જગવિખ્યાત સ્પિનર દાનિશ કનેરિયા (Danish Kaneria)એ મોદીના ખૂબ વખાણ કર્યા છે.
44 વર્ષનો દાનિશ પ્રભાશંકર કનેરિયા 2000થી 2010ની સાલ સુધીમાં પાકિસ્તાન વતી 61 ટેસ્ટ અને 18 વન-ડે રમ્યો હતો અને એમાં તેણે અનુક્રમે 261 તથા 15 વિકેટ લીધી હતી.
કનેરિયાએ સોશિયલ મીડિયામાં પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી છે. મંગળવારે પહલગામના હિન્દુ નાગરિકોને લક્ષ્યાંક બનાવવાના હેતુથી પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ 28 જણની હત્યા કરી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરે મીડિયામાં પાકિસ્તાની નાયબ વડાપ્રધાનની ઝાટકણી કાઢી
મોદીએ મધુબની ખાતેની રૅલીને સંબોધતા કહ્યું હતું કે આતંકવાદીઓ, તેમના સૂત્રધારો અને તેમને મદદ કરનારાઓને અમે એવી સજા કરીશું કે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. અમે ત્રાસવાદીઓને ધરતીના કોઈ પણ છેડેથી શોધીને મારીશું. હુમલાનો ભોગ બનેલા લોકોને ન્યાય અપાવવા અમે દરેક પ્રયત્ન કરીશું. આખો દેશ અમારી પડખે છે.’
1980ની સાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાન્તના કરાચી શહેરમાં હિન્દુ પરિવારમાં જન્મેલા દાનિશ કનેરિયાએએક્સ’ પર લખ્યું છે કે વડા પ્રધાન મોદીએ રૅલી દરમ્યાન હિન્દી ઉપરાંત અંગે્રજીમાં પણ બોલવાનું પસંદ કર્યું એ બહુ સારું કર્યું. એ સાથે, આખી દુનિયાએ (આતંકવાદીઓ માટેની) તેમની ચેતવણીને સ્પષ્ટ શબ્દોમાં સાંભળી લીધી. હું આશા રાખું છું કે આ સાથે હવે (ગાઝાની જેમ) દક્ષિણ એશિયામાં પણ આતંકવાદના અંતની શરૂઆત થઈ ગઈ છે.’
આ પણ વાંચો: પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરનો આક્ષેપ, `ઇસ્લામ ધર્મ અપનાવી લેવા શાહિદ આફ્રિદી મને વારંવાર દબાણ કરતો હતો’
કનેરિયાએ નીડરતાથી અને નિખાલસપણે સોશિયલ મીડિયામાં મોદીની પ્રશંસા કરી એ બદલએક્સ’ પર કનેરિયાની ખૂબ પ્રશંસા થઈ રહી છે. લલિત ગોર નામના એક યુઝરે લખ્યું છે, તું પાકિસ્તાનનો નાગરિક હોવા છતાં ભારતીય નાગરિક હોય એ રીતે તેં જે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે એના પરથી કહેવાનું મન થાય છે કે મોટા ભાગના ભારતીયો પણ આવી સુંદર પ્રતિક્રિયા વ્યક્ત નહીં કરી શકતા હોય.’
સુશાંત ઝા નામના યુઝરેએક્સ’ પર લખ્યું છે કે `પાકિસ્તાન સરકાર કનેરિયાની ધરપકડ કરે એ પહેલાં તેને સીએએ (સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ, 2019) હેઠળ ભારતનું નાગરિકત્વ આપી દેવું જોઈએ.’