આમચી મુંબઈ

તો પાકિસ્તાન પર તરસ્યા મરવાનો વારો આવશે: ફડણવીસ…

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ રાજ્યના મુખ્ય પ્રધાનોને તેમના રાજ્યના પાકિસ્તાનીઓની ઓળખ કરી તેમને ભારત છોડવા માટે કહેવાનો નિર્દેશ કર્યો છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાંથી પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાનું કામ ચાલી રહ્યું છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ નદી કરાર રદ કર્યા છે. જો તેનું પાણી ભારત રોકી લેશે તો પાકિસ્તાન પર તરસ્યા મરવાનો વારો આવશે, એમ મુખ્ય પ્રધાને કડક શબ્દોમાં કહ્યું હતું.
‘જે લોકો વિઝા લઇને અહીં આવ્યા છે તેની માહિતી સરકાર પાસે છે.

જે લોકો અનધિકૃત રીતે આવ્યા છે તેમની શોધ પણ ચાલી રહી છે. જે પ્રમાણે આપણે ત્યાં ગેરકાયદે વસતા બાંગલાદેશીઓ મળી આવે છે એ રીતે પાકિસ્તાનીઓ મળી આવતા નથી. તેથી જે લોકો વિઝા લઇને અહીં આવ્યા છે તેઓને સૌથી પહેલા દેશમાંથી બહાર કાઢવાના છે. પોલીસ આ મામલે કામ કરી રહી છે પ, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. પાકિસ્તાને એક વાત સમજીને ચાલવું જોઇએ કે તે ભારત પર નિર્ભર છે. છતાં આતંકવાદીઓને સમર્થન આપે છે અને એક પ્રકારે માનવતાનું ખૂન કરે છે. મારું માનવું છે કે વિશ્ર્વનો કોઇ પણ દેશ પાકિસ્તાન સાથે ઊભો રહી શકે નહીં. આવી તેની પરિસ્થિતિ છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

તે છ જણનાં પરિવારના સરકારનો સહકાર
પહલગામ હુમલામાં કુલ ૨૬ જણનો જીવ ગયો હતો જેમાં છ જણ મહારાષ્ટ્રના હતા. આ છ પીડિતના પરિવારને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહકાર મળશે એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.


ફડણવીસ જગદાળે અને ગણબોટેના પરિવારને મળ્યા

પુણે
: પહલગામ હુમલામાં પુણેના બે રહેવાસી સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેનું મૃત્યુ થયું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે બપોરે ગણબોટે અને જગદાળેના પરિવારની મુલાકાત લીધી હતી અને ખરખરો કર્યો હતો.

ગણબોટે ફરસાણનો વ્યવસાય કરતા હતા અને તેના મિત્ર તથા હુમલાના પીડિત સંતોષ જગદાળે અને તેની પત્ની સાથે કાશ્મીર ફરવા ગયા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button