પુણે પોર્શે કાર કેસ: સુપ્રીમ કોર્ટે આપ્યા સગીર આરોપીની માતાને વચગાળાના જામીન

પુણે: પુણે પોર્શે કાર કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યાના ચોથા દિવસે શનિવારે સગીર આરોપીની માતા જેલની બહાર આવી હતી. આ કેસમાં લોહીના નમૂના સાથે કથિત ચેડાં કરવા માટે ૧૦ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી પ્રથમને જામીન મળ્યા છે.
સગીરના પિતા, સાસૂન હોસ્પિટલના ડોક્ટર અજય તવારે અને શ્રીહરિ હાલનોર, હોસ્પિટલના સ્ટાફ અતુલ ઘટકાંબળે, બે વચેટિયા અને અન્ય ત્રણ હાલમાં જેલમાં છે.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર કેસ: જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના હકાલપટ્ટી કરાયેલા બે સભ્યની હાઇ કોર્ટમાં ધા…
૧૯મી મેના રોજ ૧૭ વર્ષના સગીરે પોર્શે કાર દ્વારા બે આઇટી પ્રોફેશનલની ટુ-વ્હિલરને ટક્કર મારી હતી જેમાં બન્નેનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ દીકરાને બચાવવા માટે માતાએ તેના લોહીના બદલે પોતાના લોહીના નમૂના આપ્યા હતા જેથી સગીરે અકસ્માત વખતે દારૂ પીધો હોવાનું મેડિકલ રિપોર્ટમાં ન આવે.
સુપ્રીમ કોર્ટે સગીર આરોપીની માતાને જામીન આપતી વખતે પુણેની કોર્ટને જામીન માટેની શરતો નક્કી કરવાનું કહ્યું હતું. સુપ્રીમના કહેવા પ્રમાણે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં શુક્રવારે બન્ને પક્ષની દલીલો થઇ હતી.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર કેસ: સગીર ડ્રાઇવરના મિત્રના પિતાની આગોતરા જામીનની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સરકારી વકીલે જણાવ્યું હતું કે અમારા તરફથી આરોપીની માતાને પુણે જિલ્લાની બહાર ન જવા દેવાની, તેનો પાસપોર્ટ લઇ લેવાની, પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજરી આપવાની તથા હંમેશાં મોબાઇલ લોકેશન ઓન (ચાલુ) રાખવાની શરતો મૂકવામાં આવી હતી.