આમચી મુંબઈ

દેશભક્તિનો ધર્મ સર્વોપરી તેથી પહલગામ જેવી ઘટનાઓ પરેશાન કરતી રહેશે: પીયૂષ ગોયલ

કાશ્મીરનો વિકાસ હંમેશાં ધમધમતો રહેશે અને તેને કોઇ રોકી નહીં શકે એમ પણ કહ્યું

મુંબઈ: ભારતીયો માટે દેશભક્તિ એ સર્વોપરી ધર્મ અને જ્યાં સુધી ૧૪૦ કરોડ ભારતીયો દેશભક્તિને સન્માન આપતા રહેશે ત્યાં સુધી પહલગામ જેવા હુમલા પરેશાન કરતા રહેશે. તેમ છતાં ભારતીયોના જુસ્સાને આવાં કૃત્યો ક્યારેય તોડી નહીં શકે, એમ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું. ભારતીયોમાં જુસ્સો જ એવો છે કે કાશ્મીરમાં પર્યટન ફરી ધમધમતું થશે અને અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ જરૂરથી જોડાશે. વૈશ્ર્વિક સ્તરે ભારતના માનમાં જે વધારો થઇ રહ્યો છે તે ચોક્કસ પરિબળોની આંખોમાં ખૂંચી રહ્યું છે અને આવા કૃત્ય કરીને તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. આ અસહ્ય હુમલો હતો, પરંતુ અમે પણ કોઇને છોડીશું નહીં, એમ ગોયલે જણાવ્યું હતું.

૧૪૦ કરોડ ભારતીય દેશભક્ત છે અને દેશભક્તિ સર્વોપરી ધર્મ છે. તેથી આવી ઘટનાઓ દેશને પરેશાન કરતી રહેશે, પરંતુ ભારત મજબૂત દેશ છે અને આવી ઘટનાઓને જવાબ આપવા માટે પરિપૂર્ણ છે, એમ તેમણે કહ્યું હતું. ભારતને આંતરિક સંકટોને મહાત આપવામાં સફળતા મળી છે. જેમ કે નકસલીઓનો પણ સતત ખાતમો કરાઇ રહ્યો છે. એ રીતે જ આતંકવાદીઓને પણ ધૂળ ચાટતા કરી દેવામાં આવશે. ભારતના જુસ્સા અને મજબૂતીને કોઇ આંગળી પણ અડાવી નહીં શકે, એમ ગોયલે કહ્યું હતું. કાશ્મીરના પર્યટન વ્યવસાય અંગે પૂછતા કેન્દ્રીય પ્રધાને કહ્યું હતું કે ભારતીયો બહુ મજબૂત અને બહાદુર છે. ટૂંક સમયમાં જ કાશ્મીરમાં પર્યટન શરૂ થઇ જશે. શ્રદ્ધાળુઓ પણ તેમની અમરનાથ યાત્રામાં ઉત્સાહથી જોડાશે. કાશ્મીરમાં વિકાસ હંમેશાં ધમધમતો રહેશે અને તેને કોઇ અટકાવી નહીં શકે, એમ તેમણે કહ્યું હતું.

આપણ વાંચો : રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર, પાછા મોકલવા પર ચાંપતી નજર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button