સ્પોર્ટસ

પાકિસ્તાની મહિલા પ્લેયરનો બફાટ, `શ્રીલંકા કે દુબઈમાં રમીશું, પણ ભારતમાં તો નહીં જ’

જોકે આઇસીસીએ પહેલેથી જ નક્કી કર્યું છે કે પાકિસ્તાનના ખેલાડીઓ ભારતના વર્લ્ડ કપમાં પોતાની મૅચો અન્ય દેશમાં રમશે

કરાચીઃ આગામી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ભારતમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને પાકિસ્તાનની મહિલા ટીમ એ વિશ્વ સ્પર્ધા માટે ક્વૉલિફાય થઈ ચૂકી છે, પરંતુ પાકિસ્તાનની ટીમ આ ટૂર્નામેન્ટ રમવા માટે ભારત આવવા તૈયાર નથી. ખાસ કરીને પાકિસ્તાનની ઓપનર ગુલ ફિરોઝા (Gull Feroza)એ કહ્યું છે કે અમે ભારતમાં આ વર્લ્ડ કપ રમવા નહીં આવીએ.

જોકે હકીકતમાં થોડા મહિના પહેલાં જ ભારતના આગ્રહ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નક્કી થઈ ગયું હતું કે (હાઇ-બ્રિડ મૉડેલ હેઠળ) ભારતમાં જો કોઈ ટૂર્નામેન્ટ રમાવાની હોય તો પાકિસ્તાનની ટીમ ભારત નહીં આવે અને કોઈ તટસ્થ સ્થળે પોતાની મૅચો રમશે અને એ જ રીતે સ્પર્ધા જો પાકિસ્તાન (PAKISTAN)માં યોજાય તો ભારત (INDIA)ની મૅચો પાકિસ્તાનને બદલે કોઈ ન્યૂટ્રલ ગ્રાઉન્ડ પર રમાશે.

આ સ્પષ્ટતા અગાઉ થઈ જ ગઈ છે એ જોતાં ગુલ ફિરોઝાએ બફાટ કર્યો કહેવાય, કારણકે સપ્ટેમ્બરના વર્લ્ડ કપ માટે પાકિસ્તાને પોતાની ટીમને ભારતમાં મોકલવાની જ નથી અને જે તટસ્થ સ્થળ નક્કી થશે ત્યાં મોકલવાની રહેશે. કાશ્મીરના પહલગામમાં મોટા ભાગના હિન્દુ નાગરિકો સહિત કુલ 28 જણનો જાન લેનાર જે આતંકવાદી હુમલો થયો એને પગલે ભારત-પાકિસ્તાનના રાજકીય સંબંધો વધુ વણસી ગયા છે.

મહિલા વન-ડેના ટીમ-ટેબલમાં નવમું સ્થાન ધરાવતી પાકિસ્તાનની ટીમની ઓપનિંગ બૅટર ગુલ ફિરોઝાએ પોતાના દેશની એક ચૅનલને કહ્યું,અમે આગામી વન-ડે વિશ્વ કપ માટેની ક્વૉલિફાઇંગ મૅચો ઘરઆંગણે રમ્યા હતા. હવે મુખ્ય વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે, પણ અમે ત્યાં રમવા નહીં જઈએ. શ્રીલંકા કે દુબઈ જઈશું, પરંતુ ભારતમાં તો નહીં જ. એશિયા ખંડમાં હવામાન સહિતની પરિસ્થિતિ બધે એકસરખી હોય એટલે અમને શ્રીલંકા કે દુબઈ ચાલશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button