હર્ષલની ફરી ચાર વિકેટ, હૈદરાબાદને જિતાડીને તળિયેથી બહાર કાઢ્યું…

ચેન્નઈઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ આજે અહીં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચ વિકેટે હરાવીને કુલ છ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયેથી બહાર આવીને રાજસ્થાન રૉયલ્સ (આરઆર)ના કબજામાંથી આઠમું સ્થાન આંચકી લીધું હતું. ચાર પૉઇન્ટ ધરાવનાર રાજસ્થાનની ટીમ નવમા નંબરે ધકેલાઈ હતી. ચાર પૉઇન્ટ ધરાવતી સીએસકેની ટીમ હજી પણ સાવ તળિયે (10મા નંબરે) છે. ગુજરાત પહેલા નંબરે, દિલ્હી બીજા નંબરે અને બેંગલૂરુ ત્રીજા નંબરે છે.
હૈદરાબાદે શનિવારે 155 રનનો લક્ષ્યાંક 18.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. હૈદરાબાદના બૅટ્સમેનોમાં ઇશાન કિશન (44 રન, 34 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. કામિન્ડુ મેન્ડિસ (32 અણનમ, બાવીસ બૉલ, ત્રણ ફોર) અને નીતીશ રેડ્ડી (19 અણનમ, 13 બૉલ, બે ફોર)ની જોડીએ ક્રીઝમાં ટકી રહીને હૈદરાબાદને વિજય અપાવ્યો હતો. ચેન્નઈના નૂર અહમદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
એ પહેલાં હૈદરાબાદને પેસ બોલર હર્ષલ પટેલે (4-0-28-4) જીતનો પાયો નાખી આપ્યો હતો. તેણે (HARSHAL PATEL) આ અગાઉ 12મી એપ્રિલે પંજાબ સામે પણ ચાર વિકેટ લીધી હતી.સાંજે ચેન્નઈએ બૅટિંગ મળ્યા પછી 154 રન કર્યા ત્યાર બાદ રાત્રે હૈદરાબાદની ટીમે પણ ચેન્નઈની માફક પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી હતી. ચેન્નઈનો ઓપનર શેખ રાશીદ ઇનિંગ્સના પહેલા જ બૉલમાં કૅચઆઉટ થયો હતો તો હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા દાવના બીજા બૉલ પર કૅચ આપી બેઠો હતો. શેખ રાશીદની વિકેટ હૈદરાબાદના મોહમ્મદ શમીએ અને અભિષેકની વિકેટ ચેન્નઈના ખલીલ અહમદે લીધી હતી.
હૈદરાબાદ વતી પેસ બોલર હર્ષલ પટેલના ચાર વિકેટના તરખાટને કારણે જ ચેન્નઈની ટીમ 154 રન સુધી મર્યાદિત રહી હતી.
દરમ્યાન ચેન્નઈના 154 રનમાં ડેવાલ્ડ બ્રેવિસના 42 રન હાઇએસ્ટ હતા. તેણે પચીસ બૉલની ટૂંકી ઇનિંગ્સમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી. ઓપનર આયુષ મ્હાત્રેએ છ ચોક્કાની મદદથી 30 રન, દીપક હૂડાએ એક સિક્સર, એક ફોરની મદદથી બાવીસ રન અને રવીન્દ્ર જાડેજાએ એક સિક્સર અને એક ફોરની મદદથી 21 રન કર્યા હતા.
હૈદરાબાદ વતી હર્ષલ ઉપરાંતના બોલર્સમાં પૅટ કમિન્સ તથા જયદેવ ઉનડકટે બે-બે વિકેટ અને શમી તથા કામિન્ડુ મેન્ડિસે એક-એક વિકેટ લીધી હતી. ચેન્નઈની ટીમને ચેપૉકના હોમ-ગ્રાઉન્ડ પર પ્રથમ બૅટિંગમાં સનરાઇઝર્સને મોટો લક્ષ્યાંક આપવાની તક મળી હતી જે એણે ગુમાવી હતી.હૈદરાબાદે મોહમ્મદ શમી અને કામિન્ડુ મેન્ડિસને ઇલેવનમાં સમાવ્યા હતા, જ્યારે ચેન્નઈની ટીમમાં રચિન રવીન્દ્રના સ્થાને ડેવાલ્ડ બ્રેવિસને અને વિજય શંકરના સ્થાને દીપક હૂડાને સામેલ કરવામાં આવ્યા હતા.
શનિવારે કઈ મૅચ?
કોલકાતા વિરુદ્ધ પંજાબ
ઈડન ગાર્ડન્સ, સાંજે 7.30