બદલાપુર એન્કાઉન્ટર કેસ:આવી બેશરમી…
પાંચ પોલીસ સામે અમારા આદેશ છતાં એફઆઇઆર કેમ નહીં?: હાઇ કોર્ટ ભડકી અદાલતના આદેશના અનાદરની કાર્યવાહીની ચેતવણી

મુંબઈ: બદલાપુર જાતીય સતામણી કેસના આરોપી અક્ષય શિંદેનું કસ્ટડીમાં થયેલા મૃત્યુ પ્રકરણે પાંચ પોલીસ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપવા છતાં પોલીસે આદેશનું પાલન ન કર્યું એ જાણીને આધાત લાગ્યો છે, એમ બૉમ્બે હાઇકોર્ટે કહ્યું હતું.આજે ને આજે (શુક્રવારે) સંબંધિત દસ્તાવેજો વિશેષ તપાસ એજન્સીને સોંપવામાં નહીં આવે તો મહારાષ્ટ્ર સરકાર સામે કોર્ટના આદેશના અનાદરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોર્ટના આદેશનું બેશરમની જેમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને તેની સામે અનાદરની કાર્યવાહી થવી જ જોઇએ, એમ હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું.
હાઇ કોર્ટે સાતમી એપ્રિલના તેના આદેશમાં જણાવ્યું હતું કે પ્રથમદર્શી ગુનો થયો છે તેથી તપસ એજન્સી માટે એફઆઇઆર નોંધાવવો ફરજિયાત છે. કોર્ટે તે સમયે સુપ્રીમ કોર્ટનો લલિતા કુમારીના કેસનો ચુકાદો પણ ટાંક્યો હતો. કોર્ટે ત્યાર બાદ જોઇન્ટ પોલીસ કમિશનર લક્ષ્મી ગૌતમના નિરીક્ષણ હેઠળ એક વિશેષ તપાસ ટીમ બનાવવાનો આદેશ આપ્યો હતો તથા તેનું નેતૃત્ત્વ ડેપ્યુટી પોલીસ કમિશનર કરશે, એમ પણ કહ્યું હતું. આ સિવાય કોર્ટે શિંદેના મૃત્યુ અંગે તપાસ કરી રહેલી સીઆઇને પણ બે દિવસમાં લક્ષ્મી ગૌતમને સંબંધિત દસ્તાવેજ સોંપવાનો નિર્દેશ કર્યો હતો.
શુક્રવારની સુનાવણી દરમિયાન જાણ થઇ કે પોતાના આદેશનું પાલન થયું નથી ત્યારે કોર્ટે મહારાષ્ટ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.‘અમને આઘાત લાગ્યો છે. અમારા આદેશનું બેશરમ રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાઇ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન રાજ્ય સરકાર કેવી રીતે ન કરી શકે? આજે ને આજે કેસના પેપર ટ્રાન્સફર નહીં કરવામાં આવે તો કોર્ટના આદેશના અનાદરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે’, એમ હાઇ કોર્ટે કહ્યું હતું.
સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે નવમી એપ્રિલે હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેના પર પાંચમી મેના સુનાવણી થવાની શક્યતા છે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ તેના આદેશ પર સ્ટે નહીં મૂકે તો રાજ્ય સરકાર તેના આદેશનું પાલન કરવા બંધાયેલી રહેશે.
આપણ વાંચો: બદલાપુર રેપ કેસઃ આરોપીનું એન્કાઉન્ટર કરનારા ઈન્સ્પેક્ટરે કરી વાત, જાણો શું બન્યું હતું?