ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યાના કેસમાં આરીપોને ફાંસીની સજા

ખંભાત: ગુજરાતના આણંદ જિલ્લામાં 2019માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. નરાધમીએ બાળકી પર દુષ્કર્મ આચરીને બાળકીની હત્યા કરી દીધી હતી. આ કેસમાં 6 વર્ષ પછી ચુકાદો આવ્યો અને બાળકીને ન્યાય મળ્યો છે. નોંધનીય છે કે, ખંભાત સેશન્સ કોર્ટ (Khambhat Sessions Court)એ આ કેસમાં પોક્સો તથા ખૂન એમ બંને ગુનાઓમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આરોપીને ઝડપી સજા અપાવવા માટે પરિવારે વારંવાર પોલીસ અને કોર્ટને રજુઆતો કરી હતી.
ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે નોંધવામાં આવી હતી ફરિયાદ
આજથી 6 વર્ષ પહેલા 11 ડિસેમ્બર, 2019માં આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશન (Khambhat Police Station)ની હદમાં આવતા કાણીસા ગામમાં અર્જુન અંબાલાલ ગોહેલ ઉર્ફે દડો નામના આરોપીએ સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખી હતી. બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. આ કેસમાં ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસમાં આજે ચુકાદો આવ્યો છે.
આપણ વાંચો: અમદાવાદમાં આટલી ઇમારતો પાસે ફાયર વિભાગની પરમીશન નથી, AUDAએ નોટીસ પાઠવી
દુષ્કર્મના કેસમાં વધારે ઝડપી કાર્યવાહી થાય તે જરૂરી
નોંધનીય છે કે, ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. તેમાં પણ છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓ પણ વધી છે. સુરત, ભરૂચ, વડોદરા અને બનાસકાંઠામાં દુષ્કર્મની ઘટનાઓ બની હતી. જો કે, રાજ્ય સરકાર દુષ્કર્મના કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કહેલું છે જેથી ઝડપી ચુકાદો આવે અને આરોપીને સજા અપાવી શકાય. જો કે, આ કેસમાં આરોપીને 6 વર્ષે સજા મળી છે. બાળકીને 6 વર્ષે ન્યાય મળ્યો છે. હજી પણ દુષ્કર્મના કેસમાં વધારે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આરોપીને સજા અપાવવા માટે કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો કરી હતી. જે દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે.