ભિવંડીમાં ફેક્ટરીના ગુજરાતી માલિકની હત્યાના કેસમાં ફરાર આરોપી 26 વર્ષે યુપીથી ઝડપાયો

થાણે: ભિવંડીમાં પાવરલૂમ ફેક્ટરીના ગુજરાતી માલિકની હત્યાના કેસમાં ફરાર આરોપીને પોલીસે 26 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.
થાણે શહેર પોલીસે ઉત્તર પ્રદેશની સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી 22 એપ્રિલે સિદ્ધાર્થનગર વિસ્તારમાંથી પકડી પાડેલા આરોપીની ઓળખ વિનોદકુમાર શ્યામલાલ ગુપ્તા તરીકે થઇ હતી. વિનોદકુમાર ગુપ્તા દુમરિયાગંજ ખાતેના પરસાહેતિમ (તર્કુલવા) ગામમાં દવાની દુકાન ચલાવતો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભિવંડીમાં પાવરલૂમ ફેક્ટરીના માલિક જીગર મહેન્દ્ર મહેતાની 29 મે, 1999ના રોજ અપહરણ બાદ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં ગુપ્તા સંડોવાયેલો હતો. આ પ્રકરણે ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 363 (અપહરણ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એફઆઇઆર અનુસાર જીગર મહેતાની ફેક્ટરીનો વીજપુરવઠો જાણી જોઇને કાપી નાખવામાં આવ્યો અને આરોપી ગુપ્તા, સહ-અરોપી રાજુ મહેતા ઉર્ફે બિશનસિંહ લક્ષ્મણસિંહ સાવત (હજી ફરાર છે) તથા કમલેશ રામલખન ઉપાધ્યાય મોડી રાતે જીગર મહેતાને લલચાવીને તેની ફેસ્ટરીમાં લઇ આવ્યા હતા. આરોપી કમલેશની 1999માં ધરપકડ કરાઇ હતી.
દરમિયાન ત્રણેય જણે જીગર મહેતાની મારપીટ કરી હતી અને બેભાન કરવા માટે તેને ઇન્જેકશન માર્યું હતું. આરોપીઓએ જીગર મહેતાની સોનાની ચેન, વીંટી અને રોકડ લૂંટી લીધાં બાદ તેનું ગળું ચીરી નાખ્યું હતું. તેમણે જીગર મહેતાનો મૃતદેહ ઠાકુરપાડા-સરાવલી ખાતે ફેંકી દીધો હતો.
જીગર મહેતાની હત્યા કર્યા બાદ આરોપીઓએ મુંબઈમાં પબ્લિક ફોન બૂથ પરથી કૉલ કર્યો હતો અને 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.
આપણ વાંચો: કુણાલ કામરાની ઘરપકડ નહીં થાય; બોમ્બે હાઈકોર્ટે આપી રાહત આપી
સિનિયર ઇન્સ્પેક્ટર સંજય શિંદેએ જણાવ્યું હતું કે ગુનો આચર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો અને પોલીસ તેની સતત શોધ ચલાવી રહી હતી. આરોપી ગુપ્તા મોબાઇલ ફોન વાપરતો નહોતો અને સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. જાન્યુઆરી, 2025માં તે પોતાના વતન પાછો ફર્યો હતો. (પીટીઆઇ)