‘તમારા રાજ્યમાં પાકિસ્તાનીઓની ઓળખ કરો’; અમિત શાહે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વાત કરી

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે એવી શક્યતા છે. ભારતની અંદર પણ પાકિસ્તાની નાગરીકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે પહલગામ આતંકવાદી હુમલા અંગે તમામ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યોમાં પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા જણાવ્યું હતું.
અમિત શાહે તેમને મુખ્ય પ્રધાનોને પાકિસ્તાની નાગરિકો વિશે કેન્દ્રને જાણ કરવા કહ્યું જેથી તેમના વિઝા રદ કરી શકાય. અમિત શાહે તમામ મુખ્ય પ્રધાનોને સુચના આપી કે તમામ લોકોને પાકિસ્તાન પરત મોકલવા પગલાં લેવામાં આવે.
ભારત સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે સાર્ક વિઝા એક્સેપ્શન સ્કીમ (SVES) હેઠળ પાકિસ્તાની નાગરિકોને ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, અને SVES વિઝા હેઠળ હાલમાં ભારતમાં રહેલા કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારત છોડવા માટે 48 કલાકનો સમય આપવામાં આવશે.
આપણ વાંચો: ‘તો શું મહાત્મા ગાંધી અંગ્રેજોના સેવક હતાં?’ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા આવું કેમ કહ્યું?
પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ:
24 એપ્રિલના રોજ, વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલથી રદ કરવામાં આવશે.
પ્રેસ રિલીઝ જાહેરમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ સુધી માન્ય રહેશે. હાલમાં ભારતમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોએ વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં ભારત છોડી દેવું પડશે.
દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત સહ આજે શુક્રવારે તેમના નિવાસસ્થાને સિંધુ જળ સંધિ અંગે એક બેઠક પણ યોજશે. આ બેઠકમાં કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સીઆર પાટિલ ઉપરાંત અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ હાજરી આપશે.