વિદર્ભ તપે છે: ૪૫.૯ ડિગ્રી સાથે બ્રહ્મપુરીમાં દેશમાં સૌથી વધુ તાપમાન
મહારાષ્ટ્રના દસ ૧૦ જિલ્લામાં હીટવેવની ચેતવણી

મુંબઈ: રાજ્યમાં વિદર્ભ અને મરાઠવાડામાં હાલ ગરમીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૪૨થી ૪૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં બ્રહ્મપુરીમાં ૪૫.૯ ડિગ્રી સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. આ દરમ્યાન રાજ્યના દસ જિલ્લામાં ૨૮ એપ્રિલ સુધી હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
વિદર્ભ સહિત મરાઠવાડામાં કાળઝાળ ગરમી પડી રહી છે. બંને રિજનના મોટાભાગના જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ૪૦ ડિગ્રીની ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે. ગુરુવારે વિદર્ભના બ્રહ્મપુરીમાં ૪૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સમગ્ર રાજ્યમાં જ નહીં પણ આખા દેશમાં હાઈએસ્ટ તાપમાન રહ્યું હતું. વિદર્ભના અકોલામાં ૪૫.૨ ડિગ્રી, ચંદ્રપુરમાં ૪૫.૦ ડિગ્રી, યવતમાળમાં ૪૪.૪ ડિગ્રી, નાગપુરમાં ૪૪.૪ ડિગ્રી,અમરાવતીમાં ૪૪.૨ ડિગ્રી, વાશિમમાં ૪૩.૨ ડિગ્રી, ગોંદિયામાં ૪૨.૬ ડિગ્રી, ભંડારામાં ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મરાઠવાડાના બીડમાં ૪.૩ ડિગ્રી, પરભણીમાં ૪૩.૪ ડિગ્રી, ઔરંગાબાદમાં ૪૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુરુવારે ફરી એક વખત હિલ સ્ટેશન માથેરાનમાં મુંબઈ કરતા વધુ ગરમી નોંધાઈ હતી. દિવસ દરમ્યાન માથેરાનમાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી નોંધાયું હતું, તેની સામે મુંબઈમાં સાંતાક્રુઝમાં ૩૩.૬ ડિગ્રી અને કોલાબામાં ૩૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો મહાબળેશ્ર્વરમાં પણ મહત્તમ તાપમાન ૩૨.૬ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગે રાજ્યના વિદર્ભ સહિત મધ્ય મહારાષ્ટ્રના દસ જિલ્લામાં ૨૮ એપ્રિલ સુધી હીટવેવની ચેતવણી આપી છે, જેમાં જળગાંવ, પુણે, કોલ્હાપુર, સોલાપુર, અહિલ્યાનગર (અહમદનગર), સાંગલી, છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ), જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર, ધારાશિવ (ઉસ્મનાબાદ), અકોલા, અમરાવતી, ચંદ્રપુર, નાગપુર, વર્ધા, યવતમાળનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…વિદર્ભમાં ધગધગતી ગરમી: ચંદ્રપુરમાં તાપમાનનો પારો ૪૫.૮