બેલાસિસ રેલવે ઓવર બ્રિજ ૩૦ નવેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે
સાયન પુલના સ્થળે અન્ડરપાસ બાંધવાનું કામ ઓક્ટોબરમાં શરૂ થશે

મુંબઈ: મુંબઈમાં અનેક માળખાગત પ્રોજેક્ટ તેની ડેડલાઈનને પહોંચી વળવામાં નિષ્ફળ ગયા છે ત્યારે મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડને જોડતા કેબલ સ્ટેડ બેલાસિસ રેલવે ઓવર બ્રિજ (આરઓબી)નું પુનનિર્માણનું કામ ઝડપભેર પૂરું થઈને તે આગામી સમયમાં ખુલ્લો મુકાવવાનો છે. આ પ્રોજેક્ટ તેની નક્કી કરેલી ડેડલાઈનના છ મહિના પહેલા જ પૂરો થઈ રહ્યો છે અને હવે ૩૦ નવેમ્બર, ૨૦૦૨૫ સુધીમાં તે વાહનવ્યહાર માટે ખુલ્લો મુકાય એવી શક્યતા છે. એ સાથે જ અન્ય બે પ્રોેજેક્ટને પણ ઝડપથી પૂરા કરવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો છે, જેમાં કર્ણાક બંદર પુલ ૧૦ જૂન, ૨૦૨૫ના તો સાયન પુલ ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં પૂરો થવાનો છે.
લગભગ ૧૩૦ વર્ષ જૂનો બેલાસિસ પુલ ૧૮૯૩માં બન્યો હતો, જે મુંબઈ સેન્ટ્રલના રેલવે પાટા પર બનેલો છે અને નાગપાડા તથા તારદેવને જોડે છે. ૨૦૧૮માં તેને જોખમી જાહેર કરીને બંધ કરી દેવામાં આવ્યો હતો. તેને કારણે દૈનિક સ્તરે પચીસથી ત્રીસ લોકોને તેનો ફટકો પડયો હતો. આ પુલને તોડી પાડીને તેની જગ્યાએ નવો કેબલ સ્ટેડ પુલ બાંધવામાં આવી રહ્યો છે. તેની માટે પાલિકા તરફથી ૭૦ કરોડ રૂપિયા અને રેલવે તરફથી ૪૦ કરોડનું ભંડોળ વાપરવામાં આવ્યુંં છે.
પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે પુલની નવી ડિઝાઈનને કારણે ૨૩ માછીમારોને અસર થઈ હતી, તેમાંથી છનું નજીકના માછલીબજારમાં પુનવર્સન કર્યું હતું. તો બાકીના લોકોના પુનર્વસન માટે યોગ્યતા સાબિત કરવા દસ્તાવેજો સબમિટ કરવા કહ્યું છે. આ રીતે પુલના બાંધકામમાં અવરોધરૂપ રહેલા માળખાને દૂર કરવામાં આવ્યું છે અને બાકીના ૧૨ માળખાને પણ તાત્કાલિક હટાવવામાં આવવાના છે અને અસરગ્રસ્તોનું જલદી પુનર્વસન કરવામાં આવવાનું છે.
લગભગ ૧૧૦ વર્ષથી વધુ જૂનો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને લાલબહાદુર શાસ્ત્રી રોડ અને ધારાવી રોડને જોડનારો સાયન પુલ જોખમી જાહેર કરવામાં આવ્યો હતો. બ્રિજ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ રેલવે દ્વારા ફૂટઓવર બ્રિજનું કામ પૂરું થયા પછી જૂન ૨૦૨૫માં તેને પાલિકા હસ્તગત કરશે. પુલના રેલવે ઉપર આવેલા ભાગને તોડી પાડવાનું કામ ત્યારબાદ શરૂ થશે. રેલવે અન્ડરપાસ બાંધવા માટે ઓગસ્ટ ૨૦૨૫ સુધી જમીન સોંપશે ત્યારબાદ પહેલી ઓક્ટોબર, ૨૦૨૫ના ચોમાસા બાદ તેનું કામ ચાલુ કરવામાં આવશે. રેલવે અધિકારીઓ સાથે સંકલન કરીને બે અપ્રોચ રોડ પશ્ર્ચિમ બાજુએ માર્ચ ૨૦૨૬ સુધી અને એક પૂર્વ બાજુએ એપ્રોચ રોડ મે, ૨૦૨૬ સુધીમાં બનાવવામાં આવશે. મે ૨૦૨૬ સુધીમાં પુલનું કામ પૂરું કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. એ સિવાય મસ્જિદ બંદર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે આવેલો ૧૫૪ વર્ષ જૂનો કર્ણાક પુલને ૧૦ જૂન, ૨૦૨૫ સુધી ખુલ્લો મુકવામાં આવવાનો હોવાની જાહેરાત અગાઉ પાલિકા કરી ચૂકી છે.
આ પણ વાંચો…આજે રાતથી એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ